US વડા ટ્રમ્પ મીડિયા પર ખીજાયા, બે દિ’ પહેલા જંતુનાશકનો બફાટ કર્યો હતો

27 April, 2020 03:29 PM IST  |  Washington DC | Gujarati Mid-Day Online Correspondent

US વડા ટ્રમ્પ મીડિયા પર ખીજાયા, બે દિ’ પહેલા જંતુનાશકનો બફાટ કર્યો હતો

ગુસ્સે ભરાયેલા ટ્રમ્પે મીડિયા બ્રિફિંગ પણ બંધ કરી દીધું અને કહ્યું કે મીડિયા આડાતેડા સવાલો કરવા સિવાય કંઇ કરતું નથી

શનિવારે ટ્રમ્પે પોતાની આગવી સ્ટાઇલમાં બફાટ કર્યો હતો કે કોરોનાવાઇરસને મારવા માટે દર્દીનાં શરીરમાં ડિસઇન્ફેક્ટન્ટ જ ઇન્જેક્ટ કરી દેવા જોઇએ.ખરેખર તો મીડિયાને રોજે રોજનું સંબોધન કરતા ટ્રમ્પે કહ્યું કે આ જંતુનાશક મીનિટોમાં વાઇરસને ખતમ કરી દે છે તો ઇન્જેક્શન જેવું કંઇ આપીને તમે બધો સફાયો અંદરથી કરી શકો છો.એ ફેફસામાં જાય એનું ધ્યાન રાખવાનું અને એ ચેક કરવું ઇન્ટ્રેસ્ટિંગ રહેશે. ટ્રમ્પની આવી ધડમાથા વગરની વાતને કારણે તેની ભારે ટીકા થઇ હતી.

લોકોએ સાચે પીધું જંતુનાશક

તમે માનશો ટ્રમ્પની આ જાહેરાતને પગલે ન્યુ યોર્કમાં રવિવાર સુધીમાં 30 કેસિઝ જાહેર થયા જેમાં લોકોએ બ્લિચ, લાઇઝોલ કે ડેટોલ પી લીધાં હોય.  મીડિયા રિપોર્ટ પ્રમાણે પોઈઝન કંટ્રોલ સેન્ટર પાસે આવેલા આવા કેસમાં જોકે કોઈનું મોત થયુ નથી અને કોઈને હોસ્પિટલમાં સારવારની જરુર પડી નથી.  ડેટોલ અને લાઈઝોર બનાવનાર કંપનીઓએ એક નિવેદન બહાર પાડીને શુક્રવારે સાંજે કહ્યુ છે કે, અમારી પ્રોડક્ટ કોરોનાની સારવારમાં ઉપયોગી હોવાનુ કોઈ રિસર્ચ સામે આવ્યુ નથી. તેને પીવાની જરુર નથી. તેનાથી મોત પણ થઈ શકે છે.

મીડિયાએ તેની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા હતા ત્યારે તેણે આજે અમેરિકન મીડિયા પર ખીજાઇને કહ્યું હતું કે, “હું સવારથી રાત સુધી કામ કરુ છું, છેલ્લા થોડા મહિનાથી મેં વ્હાઈટ હાઉસ પણ છોડ્યું નથી. જે લોકો મને અને દેશના ઈતિહાસને જાણે છે, તેમનું કહેવું છે કે હું સૌથી મહેનતુ રાષ્ટ્રપતિ છું. જોકે મને આ વિશે ખ્યાલ નથી. હું એ જાણું છું કે હું મહેનતુ છું અને આ સાડા ત્રણ વર્ષમાં મેં જેટલું કામ કર્યું છે, કદાચ એટલુ કામ કોઈ રાષ્ટ્રપતિએ કર્યું નહિ હોય. ફેક ન્યુઝને નફરત કરું છું.”

ટીવી જોયા કરે છે ટ્રમ્પઃ મીડિયા

આ તરફ ન્યુયોર્ક ટાઇમ્સે ગયા અઠવાડિયે ગુરૂવારે એવા સમાચાર આપ્યા હતા કે ટ્રમ્પ તો પોતાની ઓવલ ઑફિસમાં બપોર સુધી જ રહે છે અને પછી વ્હાઇટ હાઉસનાં ઓપન બેડરૂમમાં ટીવી પર સમાચાર જોયા કરે છે. રિપોર્ટના જણાવ્યા મુજબ, અમેરિકાના રાષ્ટ્રપતિ આ દરમિયાન ફ્રેન્ચ ફ્રાઈ ખાય છે અને ડાએટ કોક પીવે છે. એટલું જ નહિ તેઓ કોરોનાવાઈરસ ટાસ્ક ફોર્સના બ્રીફિંગ પહેલા થનારી બેઠકમાં ભાગ લેતા નથી અને મુખ્ય સહયોગી દ્વારા તૈયાર કરવામાં આવેલી દિવસની મોટા ભાગની વાતોને બ્રીફિંગથી જોવે છે. આ રિપોર્ટને લઈને ટ્રમ્પ નારાજ છે.

ગુસ્સે ભરાયેલા ટ્રમ્પે મીડિયા બ્રિફિંગ પણ બંધ કરી દીધું અને કહ્યું કે મીડિયા આડાતેડા સવાલો કરવા સિવાય કંઇ કરતું નથી એટલે આ બ્રિફિંગનો કોઇ અર્થ નથી. આ નિર્ણય આવ્યાનાં એક દિવસ પહેલા વ્હાઈટ હાઉસનું બ્રીફિંગ માત્ર 20 મિનિટમાં જ પૂર્ણ થઈ ગયું હતું. આ દરમિયાન ટ્રમ્પે પત્રકારોના એક પણ સવાલનો જવાબ આપ્યો ન હતો.

covid19 coronavirus international news donald trump united states of america new york