ઑક્સફર્ડ Covid-19 વેક્સિનના પૉઝિટીવ રિઝલ્ટ, ભારતમાં આવતા મહિને ટ્રાયલ

20 July, 2020 11:12 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

ઑક્સફર્ડ Covid-19 વેક્સિનના પૉઝિટીવ રિઝલ્ટ, ભારતમાં આવતા મહિને ટ્રાયલ

આ વેક્સીનની કોઇ ગંભીર આડ અસરો નથી તેમ લાન્સેટનાં જરનલમાં કહેવાયું છે.

કોરોનાવાઇરસને માત આપવા માટે વેક્સિન બને એની રાહ કોઇ ન જોતું હોય એવું અત્યારના સંજોગોમાં તો શક્ય જ નથી. વેક્સિન આવશે અને ક્યારે તથા ક્યાંથી આવશેની માથાકૂટ સતત ચાલી રહી છે ત્યારે ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં ડેવલપ થયેલા વેક્સિનનો પ્રતિભાવ માનવ શરીર સારી પેઠે આપી રહ્યું છે તે સમાચાર બહુ જ મહત્વનાં ગણાય.

 Covid-19 વેક્સિન જે એસ્ટ્રાઝેનેકા અને ઑક્સફર્ડ યુનિવર્સિટીના સહિયારા પ્રવાસે ડેવલપ કરાઇ છે તેના પહેલા તબક્કાના માનવ પ્રયોગનાં પરિણામ અનુસાર તે સલામત છે તથા તે માણસના શરીરમાં રોગપ્રતિકારક પ્રતિભાવ પેદા કરે છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં બનેલા આ વેક્સિનને પગલે આવેલા હકારાત્મક પ્રતિભાવોએ દુનિયા ભરમાં ખુશીની લહેર દોડાવી છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. ભારતમાં આવાત મહિને આ ટ્રાયલ્સ શરૂ થશે. અધિકૃત રીતે AZC1222ના નામે ઓળખાતા આ વેક્સિન શોટ અંગે બ્રિટીશ મેડિકલ જરનલ લાન્સેટમાં વિગતો જાહેર કરાઇ છે અને લાન્સેટનાં ટ્વિટર હેન્ડલ પરથી પણ આની માહિતી અપાઇ છે. આ વેક્સિનની કોઇ ગંભીર આડ અસરો નથી તેમ લાન્સેટનાં જરનલમાં કહેવાયું છે.

સંશોધકોના જણાવ્યા અનુસાર તેમણે નોંધ્યું કે તેમના Covid-19ના પ્રયોગાત્મક વેક્સિને 18થી લઇને 55 વર્ષ સુધીનાં લોકોમાં બમણો ઇમ્યુન રિસપોન્સ એટલે કે બમણી રોગપ્રતિકારક શક્તિ થાય તેવો પ્રતિભાવ દર્શાવ્યો. ડૉ. એડ્રિઅન હિલ જે ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં જેનર ઇન્સ્ટિટ્યુટનાં ડાયરેક્ટર છે તેમણે કહ્યું કે જેની પર પણ આ પ્રયોગો કરાયા તે તમામનાં શરીરે હકારાત્મક પ્રતિભાવ જ આપ્યો છે. આ વેક્સિન વ્યક્તિમાં રોગપ્રતિકાર શક્તિ બમણી કરી દે છે અને તે શરીરમાં એવા અણુઓ તથા એન્ટિબોડિઝ આ વેક્સિન પેદા કરે છે જે ઇન્ફેક્શનને બ્લૉક કરી દે છે, તેને આગળ વધતા અટકાવે છે. વેક્સિનને કારણે શરીરમાં એવા ટી-સેલ્સ પેદા થાય છે જે કોરોનાવાઇરસ સામે લડત આપે છે.

એસ્ટ્રાઝેનેકાએ બે બિલિયન ડોઝિઝ આપવાનું કમિટમેન્ટ આપી દીધું છે અને તેણે સિરમ ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇન્ડિયા સાથે આ માટે ભાગીદારી કરી છે. સિરમ ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇન્ડિયાના સીઇઓ આદર પુનાવાલાએ ન્યુઝ એજન્સી પીટીઆઇને જણાવ્યું કે તેઓ એસ્ટ્રાઝેનેકા ઓક્સફર્ડ વેક્સિન સાથે કામ કરી રહ્યા છે જે ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલમાં છે અને તેઓ ઑગસ્ટ 2020માં ભારતમાં હ્યુમન ટ્રાયલ્સ શરૂ કરશે અને તેમને આશા છે કે વર્ષાંત સુધીમાં આ વેક્સિન ભારતમાં મળી શકશે.

covid19 coronavirus international news