અમેરિકન સિટિઝનશિપ મેળવવામાં ભારતીયો મોખરે

04 July, 2022 10:19 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ભારતના ૧૨,૯૨૮ લોકોને મળી નાગરિકતા

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

અમેરિકામાં સ્વતંત્રતા દિવસના સમારોહમાં હંમેશાં એક વિશેષ કાર્યક્રમ આયોજિત કરીને નવા નાગરિકોનું સ્વાગત કરવામાં આવે છે. આ વર્ષે માત્ર આ અઠવાડિયા દરમ્યાન જ ૬૬૦૦થી વધુ નવા નાગરિકોને શપથ અપાવવામાં આવશે. અમેરિકન ફેડરલ સરકારનું નાણાકીય વર્ષ ૨૦૨૨ (જે ૩૦ સપ્ટેમ્બરે સમાપ્ત થાય છે) દરમ્યાન યુએસસીઆઇએસ (અમેરિકન સિ​ટિઝનશિપ ઍન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ)એ કુલ ૬,૬૧,૫૦૦ નવા નાગરિકોનું સ્વાગત કર્યું છે. આ ૧૫ જૂન સુધીના આંકડા છે. ૨૦૨૧માં ૮,૫૫,૦૦૦ લોકોએ અમેરિકન સિટિઝનશિપ મેળવી હતી. અમેરિકન સિટિઝનશિપ ઍન્ડ ઇમિગ્રેશન સર્વિસિસના ડિરેક્ટર એમ. જદ્દૌએ કહ્યું હતું કે ‘અમારા દેશના ઇતિહાસમાં જીવન અને ફ્રીડમ બન્નેનું વચન અને ખુશી મેળવવાની આઝાદીએ દુનિયાભરમાંથી લાખો લોકોને અમેરિકામાં વસવા માટે આકર્ષિત કર્યા છે.’

ભારતના ૧૨,૯૨૮ લોકોને મળી નાગરિકતા

લેટેસ્ટ અવેલેબલ દેશદીઠ આંકડા નાણાકીય વર્ષ ૨૦૨૨ના પહેલા ક્વૉર્ટરના છે, જે દરમ્યાન ૧,૯૭,૦૦૦ વ્યક્તિઓએ અમેરિકન નાગરિક તરીકે શપથ લીધા હતા. અમેરિકન હોમલૅન્ડ સિક્યૉરિટી ડિપાર્ટમેન્ટના આંકડા અનુસાર એમાંથી ૩૪ ટકા તો ટોચના પાંચ દેશોના જ લોકો હતા, જેમાં મેક્સિકોના ૨૪,૫૦૮, ભારતના ૧૨,૯૨૮, ફિલિપીન્સના ૧૧,૩૧૬, ક્યુબાના ૧૦,૬૮૯ અને ડોમિનિક રિ​પબ્લિકના ૭,૦૪૬ નાગરિકો સામેલ હતા. 

international news india united states of america