09 May, 2025 09:02 AM IST | Karachi | Gujarati Mid-day Correspondent
કરાચીમાં અને રાવલપિંડી સ્ટેડિયમમાં ભારતે કરેલા આક્રમણની અસર.
બુધવારે મોડી રાતે પાકિસ્તાને ભારતનાં ૧૫ લશ્કરી ઠેકાણે ડ્રોન અને મિસાઇલ વડે હુમલો કર્યો હતો, જેના જવાબમાં ગઈ કાલે સવારે ભારતીય સેનાએ પાકિસ્તાનની ઍર ડિફેન્સ સિસ્ટમ ઉડાડી દીધી હતી. ભારતીય સેનાએ લાહોર સ્થિત પાકિસ્તાનની ઍર ડિફેન્સ સિસ્ટમ સહિત પાકિસ્તાનનાં વિવિધ સ્થળોએ હુમલો કર્યો હતો. પાકિસ્તાનમાં હાજર ચીનની HQ-9 મિસાઇલ સિસ્ટમને ભારે નુકસાન થયું છે.
કેન્દ્ર સરકારે સત્તાવાર જણાવ્યા અનુસાર ભારતીય સેનાએ ગઈ કાલે સવારે પાકિસ્તાનનાં વિવિધ સ્થળોએ આવેલી પાકિસ્તાની સેનાના ઍર ડિફેન્સ રડારને ટાર્ગેટ બનાવ્યું હતું, જેમાં લાહોરનું ઍર ડિફેન્સ યુનિટ નષ્ટ કરવામાં આવ્યું હતું. આ ડ્રોન હુમલાના પગલે કરાચી, રાવલપિંડી અને લાહોરમાં સાઇરન વાગી હતી. આમ ભારતે પાકિસ્તાનની રડાર-સિસ્ટમનો નાશ કરીને એના મોટા હુમલાને નિષ્ફળ બનાવ્યો.
HQ-9 એ ચીન પ્રિસિઝન મશીનરી ઇમ્પોર્ટ-એક્સપોર્ટ કૉર્પોરેશન (CPMIEC) દ્વારા વિકસિત સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ-સિસ્ટમ છે. HQ-9ની રેન્જ ૧૨૫થી ૨૦૦ કિલોમીટરની વચ્ચે હોવાનું કહેવાય છે. આ સિસ્ટમ એકસાથે ૧૦૦ હવાઈ-લક્ષ્યોને ટ્રેક કરવાની અને એમાંથી ઘણાને અટકાવવાની ક્ષમતા ધરાવે છે. એની રડાર-સિસ્ટમ આધુનિક AESA ટેક્નૉલૉજી પર આધારિત છે જે ઉચ્ચ આવર્તન પર કાર્ય કરે છે અને આવનારાં લક્ષ્યોને ઓળખવામાં સક્ષમ છે.