10 March, 2025 12:16 PM IST | California | Gujarati Mid-day Correspondent
અમેરિકાના કૅલિફૉર્નિયામાં ચિનો હિલ્સસ્થિત BAPS હિન્દુ મંદિરમાં તોડફોડ
અમેરિકાના કૅલિફૉર્નિયામાં ચિનો હિલ્સસ્થિત BAPS (બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા) હિન્દુ મંદિરમાં તોડફોડ બાદ મંદિરની દીવાલો પર ગંદી કમેન્ટ્સ લખવામાં આવી છે અને આ મુદ્દે વિદેશ મંત્રાલયે કડક શબ્દોમાં નિંદા કરી છે. ભારતે આ કૃત્ય માટે જવાબદાર લોકો સામે પગલાં લેવા લૉ એન્ફોર્સમેન્ટ એજન્સીઓને હાકલ કરી છે. આવાં કૃત્યોને ધિક્કારપાત્ર ગણાવીને વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે કહ્યું હતું કે ‘સ્થાનિક પ્રશાસને ધાર્મિક સ્થળોની પૂરતી સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ. આ પ્રકારની બર્બરતાને અમે સહન કરી શકીએ એમ નથી.’
લૉસ ઍન્જલસમાં ચિનો હિલ્સ ખાતે આવેલા મંદિરને અપવિત્ર કરવાની ઘટના વિશે મીડિયાના સવાલોના જવાબમાં એક નિવેદનમાં રણધીર જાયસવાલે જણાવ્યું હતું કે ‘આ મંદિરમાં તોડફોડના અહેવાલ અમે જોયા છે. આવાં ઘૃણાસ્પદ કૃત્યોની અમે કડક શબ્દોમાં નિંદા કરીએ છીએ. અમે સરકારી એજન્સીઓને આવાં તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવા તાકીદ કરીએ છીએ.’
આ મુદ્દે BAPS સંસ્થાએ જણાવ્યું હતું કે ‘હિન્દુ સમુદાય નફરત સામે અડગ છે. અમે ચિનો હિલ્સ અને સાઉથ કૅલિફૉર્નિયાના સમુદાય સાથે મળીને ક્યારેય નફરતનાં મૂળિયાં ઊંડાં થવા દઈશું નહીં. આપણી સામાન્ય માનવતા અને શ્રદ્ધા ખાતરી કરશે કે શાંતિ અને કરુણા પ્રવર્તે.’