ભારત-પાકની મૅચના એક મહિના બાદ પણ બ્રિટનના લીસેસ્ટર શહેરમાં તંગદિલીભર્યું વાતાવરણ

19 September, 2022 08:32 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

ગયા વીક-એન્ડ દરમ્યાન પ્રોટેસ્ટ માર્ચ વખતે પોલીસે ભીડને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો

એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચની ફાઇલ તસવીર

ભારત અને પાકિસ્તાન વચ્ચે ગયા મહિને રમાયેલી મૅચ બાદ લીસેસ્ટર શહેરમાં હિન્દુ અને મુસ્લિમ જૂથ વચ્ચે શરૂ થયેલી તંગદિલી વચ્ચે બ્રિટનની પોલીસે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી. ગયા વીક-એન્ડ દરમ્યાન પ્રોટેસ્ટ માર્ચ વખતે પોલીસે ભીડને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. કેટલાક લોકો કાચની બૉટલ ફેંકતા જોવા મળ્યા હતા તેમ જ લાકડી લઈને બહાર નીકળ્યા હતા. પોલીસે આ ઘટનામાં અશાંતિ ફેલાવનાર લોકોની શોધખોળ શરૂ કરી છે તેમ જ બે લોકોને કસ્ટડીમાં રાખ્યા છે. પોલીસે સ્થાનિક સમુદાયના નેતાઓ સાથે મળીને શાંતિ માટેની બેઠક બોલાવી હતી.

૨૮ ઑગસ્ટે દુબઈમાં રમાયેલી ભારત-પાકિસ્તાન વચ્ચેની મૅચ બાદ આ તંગદિલીની શરૂઆત થઈ હતી. પોલીસે શુક્રવારે ૨૭ લોકોની ધરપકડ કરી હતી. લીસેસ્ટરના મેયરે કહ્યું હતું કે ‘અશાંતિ ફેલાવનારામાં મોટા ભાગના ૧૭થી ૨૦ વર્ષની વયના યુવકો હતા. જે વિસ્તારમાં આ ઘટના બની છે એ ત્યાંના લોકો માટે બહુ  ચિંતાજનક છે.’ લેસ્ટરમાં હિન્દુ અને જૈન મંદિરોનું પ્રતિનિધિત્વ કરતા સંજય પટેલે કહ્યું હતું કે ‘વર્ષોથી અહીં તમામ ધર્મના લોકો શાંતિથી રહે છે. છેલ્લા એક મહિનાથી થયેલી ઘટનાથી લોકો નાખુશ છે.’

international news united kingdom india pakistan cricket news