09 August, 2025 08:31 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ડોનાલ્ડ ટ્રમ્પ
ભારતીય નિકાસ પર અમેરિકા દ્વારા આશરે ૫૦ ટકા ટૅરિફ લાદવાને કારણે ભારતે અમેરિકા પાસેથી ખરીદવામાં આવનારાં ૬ વધારાનાં બોઇંગ P-81 દરિયાઈ પેટ્રોલ વિમાનોની ખરીદીને સ્થગિત કરી દીધી છે. વિમાનોની કિંમતમાં એકાએક વધારો, ભૂરાજકીય અસ્થિરતા અને વ્યૂહાત્મક સ્વાયત્તતા વગેરે કારણો આપીને ભારતે આ નિર્ણય કર્યો છે. આ હાઈ-વૅલ્યુ સંરક્ષણસોદાને વ્યાપક સમીક્ષા બાદ સ્થગિત કરવામાં આવ્યો છે. પ્રસ્તાવિત સોદો નિશ્ચિતપણે રદ કરવામાં આવ્યો નથી, પણ એ અટકાવી દેવામાં આવ્યો છે.
ભારતે ૨૦૦૯માં પ્રારંભિક રીતે ૨.૨ અબજ ડૉલરના ખર્ચે ૮ P-8I વિમાનો માટે ખરીદી કરાર કર્યો હતો. ત્યાર બાદ ૨૦૧૬માં વધુ એક અબજ ડૉલરના ખર્ચે બીજાં વધારાનાં ૪ વિમાનોનો ઑર્ડર આપવામાં આવ્યો હતો. નૌકાદળે ઇન્ડિયન ઓશન રીજન (IOR) પર પૂર્ણ નજર રાખવા માટે કુલ ૧૮ વિમાનોના કાફલાની હિમાયત કરી છે. ચીન સર્વેક્ષણ અથવા ચાંચિયાવિરોધી મિશનની આડમાં સબમરીન અને જહાજો હિન્દ મહાસાગર વિસ્તારમાં મોકલે છે તેથી આ વિસ્તારમાં નજર રાખવી જરૂરી છે.
અમેરિકાના ગૃહવિભાગે ૨૦૨૧ના મે મહિનામાં ૬ વધારાનાં વિમાનોના વેચાણને મંજૂરી આપી હતી, જેનો ખર્ચ ૨.૪૨ અબજ ડૉલર હોવાનો અંદાજ છે. જોકે બોઇંગે સપ્લાય ચેઇન વિક્ષેપ અને અન્ય વૈશ્વિક પરિબળોનું કારણ આપીને જુલાઈ ૨૦૨૫ સુધીમાં આ સોદાનું મૂલ્ય ૫૦ ટકા વધારીને આશરે ૩.૬ અબજ ડૉલર જણાવ્યું હતું. સંરક્ષણ મંત્રાલયે આમ છતાં સોદો મંજૂર રાખવાની તૈયારી દર્શાવી હતી, પણ અમેરિકાએ વધારાની ટૅરિફ લગાવી દેતાં આ ખરીદીને અટકાવી દેવામાં આવી છે.
જો આ સોદો સ્થગિત રહે તો ભારતમાં બોઇંગ કંપનીને અસર પડી શકે એમ છે, કારણ કે આ કંપનીમાં ભારતમાં ૫૦૦૦ કર્મચારીઓ કામ કરે છે.
ભારતીય નૌકાદળ ૫૦થી વધુ નૌકાદળનાં જહાજો અને ૨૦,૦૦૦ વેપારી જહાજોનું નિરીક્ષણ કરવા માટે P-8I કાફલા પર ખૂબ આધાર રાખે છે. વર્તમાન કાફલાએ ૪૦,૦૦૦થી વધુ ઉડાન કલાકો પૂરા કર્યા છે. કવરેજ અને અસરકારક દરિયાઈ ક્ષેત્ર જાગૃતિ સુનિશ્ચિત કરવા માટે ઈસ્ટર્ન કમાન્ડને વધારાનાં વિમાનોની જરૂર છે.
અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે ગુરુવારે જણાવ્યું હતું કે ભારત એક વ્યૂહાત્મક ભાગીદાર છે અને ટૅરિફ-વિવાદ વચ્ચે બન્ને દેશો વચ્ચેના સંબંધોમાં તનાવ ચાલુ હોવા છતાં અમેરિકા ભારત સાથે સંપૂર્ણ અને સ્પષ્ટ વાતચીત કરી રહ્યું છે.
પ્રેસ-બ્રીફિંગમાં પત્રકારોના સવાલના જવાબ આપતાં અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટના મુખ્ય નાયબ પ્રવક્તા ટૉમી પિગોટે કહ્યું હતું કે ‘હું ભારત વિશે કહી શકું છું કે પ્રેસિડન્ટ ટ્રમ્પ વેપાર અસંતુલન અંગે તેમની ચિંતાઓ અને રશિયન તેલની ખરીદી અંગે ખૂબ જ સ્પષ્ટ રહ્યા છે. તમે તેમને એનાં પર સીધાં પગલાં લેતા જોયા છે. ભારત એક વ્યૂહાત્મક ભાગીદાર છે જેની સાથે અમે સંપૂર્ણ અને સ્પષ્ટ વાતચીતમાં જોડાઈએ છીએ. એ ચાલુ રહેશે.’
ગઈ કાલે સવારે ડોનલ્ડ ટ્રમ્પે એવું નિવેદન આપ્યું હતું કે જ્યાં સુધી ટૅરિફ-વિવાદ ઉકેલાતો નથી ત્યાં સુધી ભારત સાથે વેપાર-કરાર અંગેની ચર્ચા પણ આગળ વધશે નહીં. જોકે અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે ભારત સાથે સંવાદ ચાલુ હોવાનું કહ્યું હતું.
ટૅરિફના વિવાદને લીધે ભારત અને અમેરિકાના વચ્ચે થયેલા ડિફેન્સ-કરારને ભારે અસર થઈ શકે છે એવા રિપોર્ટ્સ સામે આવ્યા છે. ગઈ કાલે ભારતે અમેરિકા પાસેથી બોઇંગની ખરીદી અટકાવી દીધી હોવાના અહેવાલ સામે આવ્યા હતા. ભારતે અમેરિકા સાથે ડિફેન્સ ક્ષેત્રે જેટલા કરાર કર્યા છે એને આગળ વધારવા માટે ભારતના રક્ષાપ્રધાન રાજનાથ સિંહ અમેરિકાના પ્રવાસે જવાના હતા, પણ એ હાલપૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે એવા પણ સમાચાર આવ્યા છે.
આ સાથે એવા પણ રિપોર્ટ્સ આવ્યા હતા કે જૅવલિન ઍન્ટિ-ટૅન્ક મિસાઇલ્સ તથા સ્ટ્રાઇકર કૉમ્બેટ વેહિકલ ટૅન્ક્સ સહિતની ખરીદી પર પણ ભારત ફરી વિચાર કરી શકે છે. જોકે સરકારે આ રિપોર્ટ્સને રદિયો આપી દીધો હતો અને કહ્યું હતું કે આ કરારો એમની ગતિએ આગળ વધી રહ્યા છે. જ્યારે આ બાબતો સાથે સંકળાયેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે આવા કોઈ લેખિત આદેશ આપવામાં આવ્યા નથી. અલબત્ત, નિષ્ણાતોનું કહેવું છે કે ભારત આ ખરીદીને ધીમી ગતિએ આગળ વધારીને અમેરિકા સાથે ટૅરિફ સંબંધે વાટાઘાટોના નિષ્કર્ષની રાહ જોઈને પછી નિર્ણય કરશે.