ભારત-ચીન સીમા વિવાદ અને ડોનાલ્ડ ટ્રમ્પ

29 May, 2020 11:32 AM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

ભારત-ચીન સીમા વિવાદ અને ડોનાલ્ડ ટ્રમ્પ

ભારત, ચીન અને અમેરિકા

ભારત અને ચીન (India China Dispute) વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદને અટકાવવા યુએસએનાં પ્રેસિડન્ટ ટ્રમ્પ પોતે મધ્યસ્થી થવા તૈયાર હતા. ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપ્યું છે કે, "ભારત અને ચીન વચ્ચે સરહદે મોટો વિવાદ ચાલી રહ્યો છે, આ વિવાદ 1.4 બિલિયન લોકો અને ખૂબ જ સક્ષમ સૈન્ય વચ્ચે છે. ભારત આ ખટરાગ ખુશ નથી અને એ પણ શક્ય છે કે ચીન પણ ખુશ ન હોય. મેં પીએમ મોદી સાથે વાત કરી હતી, ચીન સાથે જે પણ થઈ રહ્યું છે, તે અંગે તેમનો મૂડ સારો નથી." અહીં યુએસએનાં વડા એમ કહેવા માગતા હતા કે નરેન્દ્ર મોદીએ તેમની સાથે વાત કરી અને વાત દરમિયાન ટ્રમ્પને ખ્યાલ આવ્યો કે મોદીને સરહદ પર જે થઇ રહ્યું છે તે જરાય ગમતું નથી, તે અંગે તેઓ 'ગુડ મુડ'માં નથી.

તાજેતરમાં જ ભારત સરકારના સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કોઈ જ વાત થઈ નથી. સૂત્રો પ્રમાણે છેલ્લે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતીય વડાપ્રદાન નરેન્દ્ર મોદી વચ્ચે 4 એપ્રિલના હાઇડ્રોક્સીક્લોરોક્વીન અંગે વાતચીત થઈ હતી.

ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ ઉકેલવા અમેરિકાની મધ્યસ્થી કરવાની રજૂઆત કરતાં ટ્રમ્પે કહ્યું, "જો તેમને એમ લાગે છે કે હું મધ્યસ્થી કરાવું અને તેમને મદદ મળતી હશે, તો હું એમ પણ કરવા માગીશ."

આ નિવેદન બાદ ચીને જવાબ આપ્યો છે.જેના પછી ચીનની સરકારી મીડિયાએ ગુરૂવારે કહ્યું કે ચીન અને ભારતને હાલ સીમા પર ચાલતાં વિવાદને ખતમ કરવા અમેરિકાની મદદની જરૂર નથી.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બન્ને દેશો વચ્ચે સીમા વિવાદ ઉકેલવા મધ્યસ્થી બનવાની વાત એક ટ્વીટ દ્વારા કહી હતી. જેના પછી ચીનની મીડિયામાં આ પ્રતિક્રિયા સામે આવી છે. ટ્રમ્પે એક ટ્વીટમાં કહ્યું હતું, "અમે ભારત અને ચીન બન્નેને જણાવ્યું છે કે અમેરિકા સીમા વિવાદમાં મધ્યસ્થી કરાવવા માટે તૈયાર, ઇચ્છુક અને સક્ષમ છે."

ચીનના વિદેશ મંત્રાલય તરફથી ટ્રમ્પના ટ્વીટના જવાબમાં કોઇ અધિકારિક પ્રતિક્રિયા આવી નથી. પણ સરકારી સમાચાર પત્ર 'ગ્લોબલ ટાઇમ્સ'માં છપાયેલા એક લેખમાં કહેવામાં આવ્યું છે કે બન્ને દેશોને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની એવી કોઈ જ મદદની જરૂર નથી.

આ લેખમાં કહેવામાં આવ્યું છે કે, "હાલ વિવાદને ભારત અને ચીન દ્વિપક્ષીય વાતચીતથી ઉકેલવામાં સક્ષમ છે. બન્ને દેશોને અમેરિકાથી સતર્ક રહેવું જોઇએ, જે ક્ષેત્રમાં શાંતિ અને સદ્ભાવને બગાડવાની તકની શોધમાં રહે છે."

ઉલ્લેખનીય છે કે આ પહેલા ભારત પણ અમેરિકાના આ પ્રસ્તાવને નકારી ચૂક્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, "અમે શાંતિપૂર્વક સમાધાન માટે ચીનના સંપર્કમાં છીએ. બન્ને પક્ષોમાં સૈન્ય અને રાજકારણીય સ્તરો પર વાતચીત થઈ રહી છે."

નોંધનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ સતત કોરોનાવાયરસ માટે ચીનને જવાબદાર ઠેરવતા હોય છે તેવામાં તેમણે ગઈ કાલે વધુ એક ટ્વીટ કરીને જણાવ્યું છે કે સમગ્ર વિશ્વને ચીન તરફથી ખૂબ જ ખરાબ 'ભેટ' મળી છે.

india china united states of america narendra modi donald trump