ભારત, ચીન અને રશિયાને પોતાના પર્યાવરણની કોઈ ચિંતા નથી : ટ્રમ્પ

31 July, 2020 01:42 PM IST  |  Washington | Agencies

ભારત, ચીન અને રશિયાને પોતાના પર્યાવરણની કોઈ ચિંતા નથી : ટ્રમ્પ

ડોનલ્ડ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે પ્રદૂષણને લઈ ભારત પર પ્રહાર કર્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત, ચીન અને રશિયાને પોતાની હવાને લઈ કોઈ ચિંતા નથી, જ્યારે અમેરિકા પોતાના દેશની હવાની ચિંતા કરે છે. ટ્રમ્પ કેટલીયે વખત પ્રદૂષણને લઈ ભારતની આકરી આલોચના કરી ચૂકયા છે.

પૅરિસ જળવાયુ સમજૂતીનો ઉલ્લેખ કરતાં ટ્રમ્પે બુધવારે કહ્યું કે આ સમજૂતી એકતરફી અને ઊર્જાને બર્બાદ કરવાની હતી. આથી તેમણે એનાથી બહાર થવાનો નિર્ણય કર્યો. આપને જણાવી દઈએ કે ટ્રમ્પે જૂન ૨૦૧૭માં પૅરિસ જળવાયુ કરારથી અલગ થવાની જાહેરાત કરી હતી. આ વૈશ્વિક સમજૂતીમાં હાનિકારક ગ્રીનહાઉસ ગૅસોનું ઉત્સર્જન ઘટાડવા માટે કેટલાંય પગલાં ઉઠાવવા પર જોર આપ્યું હતું. સમજૂતીમાં ભારત સહિત વિકાસશીલ દેશોને કેટલીક છૂટ મળી હતી.

ટ્રમ્પે ટૅક્સાસના એક કાર્યક્રમમાં કહ્યું કે પૅરિસ જળવાયુ સમજૂતીના પ્રતિબંધોને માનીને વૉશિંગ્ટનના વામપંથી ડેમોક્રૅટસ અગણિત અમેરિકન નોકરીઓ અને ફેક્ટરી ચીન અને એના જેવા પ્રદૂષણ ફેલાવતા દેશોને સોંપી દેતા. તેઓ આપણને હવાની ચિંતા કરવા માટે કહે છે, પરંતુ ચીન પોતાના ત્યાંની હવા પર ધ્યાન આપતું નથી. ભારત પણ પોતાની વાયુની ગુણવત્તાને લઈ કોઈ ચિંતા કરતું નથી અને ન તો રૂસ. પરંતુ આપણે કરીએ છીએ. જ્યાં સુધી હું રાષ્ટ્રપતિ છું ત્યાં સુધી અમેરિકા ફર્સ્ટની નીતિ લાગુ રહેશે. આ બહુ સીધી વાત છે.

donald trump international news india china russia