મુંબઈ બ્લાસ્ટનો માસ્ટરમાઇન્ડ પાકિસ્તાનમાં ફાઇવ સ્ટાર મહેમાનગતિ માણે છેઃ ભારત

20 January, 2022 09:05 AM IST  |  New York | Gujarati Mid-day Correspondent

ચોક્કસ જ ભારતે ડી-કંપનીના દાઉદ ઇબ્રાહિમનો ઉલ્લેખ કર્યો હતો કે જે પાકિસ્તાનમાં છુપાયો હોવાનું મનાય છે

દાઉદ ઇબ્રાહિમ

ભારતે મંગળવારે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં જણાવ્યું હતું કે ૧૯૯૩માં મુંબઈમાં થયેલા બૉમ્બ બ્લાસ્ટ્સ માટે જવાબદાર ક્રાઇમ સિન્ડિકેટને ન ફક્ત પાકિસ્તાનની સરકાર દ્વારા પ્રોટેક્શન આપવામાં આવ્યું છે, બલકે આ સિન્ડિકેટ ત્યાં ફાઇવ સ્ટાર મહેમાનગતિ પણ માણી રહ્યું છે. ચોક્કસ જ ભારતે ડી-કંપનીના દાઉદ ઇબ્રાહિમનો ઉલ્લેખ કર્યો હતો કે જે પાકિસ્તાનમાં છુપાયો હોવાનું મનાય છે. 
વૈશ્વિક આતંકવાદ વિરોધી પરિષદ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય આતંકવાદ વિરોધી પરિષદ ૨૦૨૨માં સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારતના કાયમી પ્રતિનિધિ એમ્બેસેડર ટી. એસ. તિરુમૂર્તિએ જણાવ્યું હતું કે આતંકવાદ અને આંતરરાષ્ટ્રીય સંગઠિત ક્રાઇમ વચ્ચેની સાઠગાંઠને સંપૂર્ણપણે ઓળખવી જોઈએ અને એનો મજબૂતાઈથી સામનો કરવો જોઈએ. પાકિસ્તાને ઑગસ્ટ ૨૦૨૦માં પહેલી વખત એની ધરતી પર ઇબ્રાહિમની હાજરી સ્વીકારી હતી. 
તિરુમૂર્તિએ કહ્યું હતું કે પ્રતિબંધો લાદવા માટેની સંયુક્ત રાષ્ટ્રસંઘ માટેની વ્યવસ્થા આતંકવાદીઓને ભંડોળ, આતંકવાદીઓને એક દેશમાંથી બીજા દેશમાં જતા અને આતંકવાદી સંગઠનોને શસ્ત્રો મેળવતા અટકાવવા માટેના આંતરરાષ્ટ્રીય પ્રયાસોમાં મહત્ત્વપૂર્ણ છે. જોકે તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે આ પગલાંને અમલમાં મૂકવા પડકારજનક છે. 

international news pakistan india united nations