હવે માલદીવ્ઝ ફેરીમાં પણ જઈ શકાશે, કોચીથી શરૂ થશે ફેરી

09 June, 2019 03:14 PM IST  |  માલે

હવે માલદીવ્ઝ ફેરીમાં પણ જઈ શકાશે, કોચીથી શરૂ થશે ફેરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માલદીવ્ઝનો પ્રવાસ પૂરો કરીને શ્રીલંકા પહોંચી ચૂક્યા છે. પોતાની બીજી ટર્મના પહેલા પ્રવાસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માલદીવ્ઝની મુલાકાત લીધી અને સાબિત કર્યું કે ભારત માટે આંતરરાષ્ટ્રીય કૂટનીતિમાં માલદીવ્ઝ ખૂબ જ મહત્વનું છે. એકાદ વર્ષ પહેલા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત અને માલદીવ્ઝના સંબધો કથળ્યા હતા, જો કે હવે બંને દેશો વચ્ચે ફરી મિત્રતા થતી દેખાઈ રહી છે. ભારત અને માલદીવ વચ્ચે પહેલીવાર ફૅરી બોટ શરૂ કરવા અંગે સહમતી સધાઈ છે.

શરૂ થશે બોટ સેવા

ભારત અને માલદીવ વચ્ચે ફૅરી બોટ શરૂ કરવાનો નિર્મય લેવાયો છે. જે અંતર્ગત દક્ષિણ ભારતના રાજ્ય કેરળના કોચી શહેરથી માલદીવની રાજધાની માલે સુધી ફૅરી સર્વિસ શરૂ થશે. બંને દેશો વચ્ચે મિત્રતા વધારવા અને પર્યટન વિક્સાવવા માટે આ નિર્ણય લેવાયો છે. પીએમ મોદીની માલદીવ્ઝ ખાતેની મુલાકાત બાદ બંને દેશની સરકારે આ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે પીએમ નરેન્દ્ર મોદી શનિવારે માલદીવ્ઝના બે દિવસના પ્રવાસે પહોંચ્યા હતા. આ દરમિયાન ભારત અને માલદીવે ફેરી શરૂ કરવા અંગેના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. કોચી અને માલે વચ્ચેનું અંતર 700 કિમી છે.

પીએમ મોદીએ વ્યક્ત કરી ખુશી

માલદીવ્ઝમાં આ સમજૂતી પીએમ મોદી અને માલદીવ્ઝના રાષ્ટ્રપતિની હાજરીમાં થઈ. બંને નેતાઓએ અધિકારીઓને આ બોટ સેવા શરૂ કરવા અંગે આગળના પગલાં લેવા માટે નિર્દેશ આપ્યા છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફૅરી શરૂ થવા અંગે ખુશી પણ વ્યક્ત કરી હતી. વિદેશ સચિવ વિજય ગોખલેની માહિતી પ્રમાણે મોદી અને સોલિહ વચ્ચેની ચર્ચા દરમિયાન બોટ સેવા પર ચર્ચા થઈ હતી. તેમણે એવું પણ કહ્યું કે આ પહેલી વખત છે જ્યારે ભારતથી માલદીવની રાજધાની સુધી યાત્રી અને ફેરી બોટ ચલાવવામાં આવશે.

આ પણ વાંચોઃ માલદીવ પહોંચતા જ PM મોદીને ગાર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરાયા

માલદીવ્ઝનું સર્વોચ્ચ સન્માન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માલદીવ્ઝે દેશના સર્વોચ્ચ સન્માનથી નવાજ્યા છે. માલદીવ્ઝના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહે પીએમ નરેન્દરમોદીને નિશાન ઈજ્જુદ્દીનથી સન્માનિત કર્યા હતા. વિદેશી પ્રતિનિધીઓને આપવામાં આવતું માલદીવ્ઝનું સૌથી મોટું સન્માન છે.

maldives national news india