બૉર્ડર પર ટેન્શન વચ્ચે અમેરિકાનું ભારતને સમર્થન, ચીન લાલઘૂમ

27 June, 2020 01:04 PM IST  |  Washington | Agencies

બૉર્ડર પર ટેન્શન વચ્ચે અમેરિકાનું ભારતને સમર્થન, ચીન લાલઘૂમ

પ્રતીકાત્મક તસવીર

એશિયામાં ચીનની દાદાગીરી સામે અમેરિકાએ આકરું વલણ અપનાવ્યું છે. અમેરિકાએ યુરોપમાંથી પોતાની સેના હટાવીને એશિયામાં તહેનાત કરવાનો નિર્ણય લીધો છે. તેની શરૂઆત જર્મનીથી થવાની છે. માનવામાં આવી રહ્યું છે કે અમેરિકા જર્મનીમાં તહેનાત ૫૨,૦૦૦ અમેરિકન સૈનિકોમાંથી ૯૫૦૦ સૈનિકો એશિયામાં તહેનાત કરશે. અમેરિકા આ પગલું એવા સમયે ઉઠાવી રહ્યું છે જ્યારે ભારતમાં પૂર્વ લદ્દાખમાં એક્ચ્યુઅલ કન્ટ્રોલ (એલએસી)ની બાજુમાં ચીને ભારતમાં તંગ પરિસ્થિતિ સર્જી છે, બીજી તરફ વિયેતનામ, ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઇન્સ અને સાઉથ ચાઇનાસીમા એક ખતરો બનેલો છે.

અમેરિકાના વિદેશમંત્રી માઇક પોમ્પિયોએ ચીનને ભારત અને દક્ષિણ પૂર્વ એશિયા માટે ખતરો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે ચીન તરફથી ભારત, મલેશિયા, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સ જેવા એશિયન દેશોને વધતા જતા ખતરાને ધ્યાનમાં રાખીને અમેરિકાએ વિશ્વભરમાં તેના સૈનિકોની તહેનાતીની સમીક્ષા કરી તેમને એવી રીતે તહેનાત કરી રહ્યું છે કે તેઓ જરૂર પડવા પર પ્યુપિલ્સ લિબરેશન આર્મી (ચીનની સેના)નો મુકાબલો કરી શકે. પોમ્પિયોએ જર્મન માર્શલ ફંડના વર્ચ્યુઅલ બ્રસેલ્સ ફોરમ ૨૦૨૦માંના સવાલના જવાબમાં આ કહ્યું.

પોમ્પિયોએ કહ્યું કે અમે નક્કી કરીશું કે અમારી તહેનાતી એવી હોવી જોઈએ કે પીએલએનો સામનો કરી શકે. અમને લાગે છે કે આ અમારા સમયનો પડકાર છે અને અમે ખાતરી કરીશું કે અમારી પાસે તેને ઉકેલવા માટે તમામ સંસાધન યોગ્ય જગ્યા પર ઉપલબ્ધ હોય. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પના નિર્દેશો પર સૈનિકોની તહેનાતીની સમીક્ષા કરવામાં આવી રહી છે અને આ યોજના અંતર્ગત અમેરિકા, જર્મનીમાં સૈન્યની સંખ્યા ૫૨ હજારથી ઘટાડીને ૨૫ હજાર કરી રહ્યા છે.

લેહમાં ભારતીય લશ્કર અને ઍરફૉર્સનો સંયુક્ત યુદ્ધાભ્યાસ

ચીન સાથે સરહદે ચાલી રહેલી ભયંકર તંગદિલી વચ્ચે ભારતીય સેના અને ભારતીય વાયુસેનાએ લેહમાં સંયુક્ત યુદ્ધાભ્યાસ હાથ ધર્યો હતો. આ યુદ્ધાભ્યાસમાં ફાઇટર જેટ્‌સ અને ટ્રાન્સપોર્ટ વિમાનોને સામેલ કરવામાં આવ્યાં છે. યુદ્ધાભ્યાસનો હેતુ બન્ને સેનાઓ વચ્ચે તાલમેલ વધારવાનો હતો. આ યુદ્ધાભ્યાસમાં સુખોઇ ફાઈટર જેટ્‌સ અને અમેરિકા પાસેથી ખરીદવામાં આવેલા દુનિયાના સૌથી અદ્યતન એવા ચિનૂક હેલિકૉપ્ટર સામેલ કરવામાં આવ્યાં હતાં.

ભારતીય સેના ચીન સાથેના વર્તમાન ગતિરોધના કારણે લાઇન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર રક્ષાકવચને લઈ સહેજ પણ બાંધછોડ કરવા માગતી નથી. વર્તમાનમાં ગલવાન ખીણ, પૈંગોગ લેક અને દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં ચીની સૈન્યની હાજરી અગાઉ જેવી જ છે. જેથી ભારત કોઈ પણ સ્તરે પોતાની તહેનાતી ઓછી કરવા કે તેમાં કચાસ રાખવા નથી માગતું.

ભારતે નવા શીતયુદ્ધમાં એક પક્ષ પસંદ કરી લીધો : ચીન ભડક્યું

ચીનની સરકારના મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સે એક આર્ટિકલમાં લખ્યું છે જેમાં ભારતના અમેરિકાની નજીક જવાને લઈ આકરી પ્રતિક્રિયા આપી છે. વાત એમ છે કે ફાઇનાન્સિયલ ટાઇમ્સના એક કૉલમિસ્ટ ગિડોન રેચમેને લખ્યું કે ભારતે નવા શીતયુદ્ધમાં એક પક્ષ પસંદ કરી લીધો છે. તેની સાથે જ કહ્યું કે આ ચીનની મૂર્ખતા છે કે તે પોતાના હરિફને અમેરિકાના પલ્લામાં મૂકી રહ્યું છે.

આ લેખને લઈ ગ્લોબલ ટાઇમ્સે લખ્યું કે ચીન અને ભારતની વચ્ચે સરહદ વિવાદ રાતોરાત ઊભો થયો નથી. એક સમય હતો કે જ્યારે બન્ને દેશોની વચ્ચે તણાવ એક મોટો ખતરો હતો. ભારત એ સમયે પણ કોઈ દેશ પર નિર્ભર નહોતું આથી એ તર્ક બિલકુલ ખોટો છે કે હાલ સરહદ તણાવમાં ભારત કોઈ એક જૂથની સાથે જવા માટે મજબૂર થઈ જશે.

india china united states of america international news terror attack