દુનિયામાં મુસ્લિમો પર અત્યાચાર થાય છે ત્યારે યુએન ચૂપ રહે છે: ઈમરાન ખાન

31 August, 2019 07:47 AM IST  |  ઈસ્લામાબાદ

દુનિયામાં મુસ્લિમો પર અત્યાચાર થાય છે ત્યારે યુએન ચૂપ રહે છે: ઈમરાન ખાન

ઈમરાન ખાન

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાને લઈને બરાબરનું ભોંઠું પડેલું પાકિસ્તાન દુનિયાના કોઈ જ દેશે સાથ ન આપતા હવે સંયુક્ત રાષ્ટ્ર પર જ પોતાનો રોષ ઠાલવવા પર ઊતરી આવ્યું છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને હવે યુએનમાં કથિત મુસ્લિમ કાર્ડ ખેલ્યું છે.

ઇમરાન ખાને આજે પોતાના દેશને સંબોધિત કરતાં કહ્યું હતું કે જ્યારે પણ દુનિયામાં મુસલમાનો પર અત્યાચાર થાય છે ત્યારે ત્યારે સંયુક્ત રાષ્ટ્ર ચૂપ રહે છે.

ભારતે જમ્મુ-કાશ્મીરનું પુનઃગઠન કરવાનો અને કલમ ૩૭૦ નાબૂદ કરતાં પાકિસ્તાન દુનિયાભરના દેશોના ડેલે હાથ દઈ આવ્યું અને મગરના આંસુ સારી આવ્યું. બાકી હતું તો પોતાના સદાબહાર દોસ્ત ચીનની મદદ લઈ સંયુક્ત રાષ્ટ્રમાં પણ ધમપછાડા કરી આવ્યું, પરંતુ બધા જ દેશો અને યુએનએ એક જ સ્વરે કાશ્મીર અને ૩૭૦ના મુદ્દાને પોતાની આંતરીક બાબત ગણાવતા પાકિસ્તાન ભોંઠું પડ્યું છે. હવે કોઈ જ રસ્તો ન બચતા પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને વિશ્વ સમુદાય પર પોતાની ખીજ ઉતારી છે.

ઇમરાન ખાને આજે દેશના નામે સંબોધન કરતાં કહ્યું છે કે જ્યારે જ્યારે મુસ્લિમો પર અત્યાચારની વાત આવે ત્યારે સંયુક્ત રાષ્ટ્ર ચૂપ થઈ જાય છે. જો કાશ્મીરમાં મુસલમાન ન હોત તો દુનિયા આખીમાં ભારે હોબાળો મચી જવા પામ્યો હોત. જેને આપણે ઈન્ટરનૅશનલ કમ્યુનિટી કહીએ છીએ, જેને સંયુક્ત રાષ્ટ્ર કહીએ છીએ, તે મુસલમાનો પર અત્યાચારની વાત પર ચૂપ થઈ જાય છે.

ઇમરાન ખાનની ભૂતપૂર્વ પત્ની રેહમ ખાને મોદીની પ્રશંસા કરી

કાશ્મીર મામલે ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારે તણાવની સ્થિતિ છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન કાશ્મીર મામલે ભારતને કોઈ પણ હદે જવાની અને પરમાણું યુદ્ધની ધમકી આપી ચૂક્યા છે. પરંતુ ભૂતપૂર્વ પત્ની રેહમ ખાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે.

રેહમ ખાને પોતાના ભૂતપૂર્વ પતિ અને પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને સણસણતો સવાલ પૂછ્યો છે કે દેશનું અર્થતંત્ર ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે?

તાજેતરમાં જ રેહમ ખાનનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે પોતાની વાત કરી રહી છે. વીડિયોમાં રેહમ ખાને કહ્યું કે લોકો આજે મોદી સરકારને શા માટે પ્રેમ કરે છે, શા માટે કોઈ ભારત સાથે સંબંધ બગાડવા નથી માગતું? આનું કારણ ભારતની મજબૂત અર્થવ્યવસ્થા છે. સાઉદીએ રોકાણ કર્યું છે, યુકે તેની સાથે છે, અમેરિકાને પણ ભારતમાં રસ છે. મોદી જ્યાં પણ જાય છે ત્યાં તેમને માનપાન મળે છે.

આ પણ વાંચોઃ દેશમાં હિંસા ફેલાવવાના પ્રયત્ન કરી રહ્યું છે પાકિસ્તાનઃ વિદેશ મંત્રાલય

રેહમ ખાને કહ્યું કે, યુએઈમાં મેડલ મળ્યો તો (ઇમરાન ખાન) તમને તકલીફ થઈ રહી છે. તમે ભીખ માગતા ફરો છો, હવે તમે મને જણાવો કે જો તમે તેના માટે પગની જૂતી જ છો તો પછી તે તમારું સન્માન કેવી રીતે કરે?

united nations pakistan imran khan