અમેરિકામાં ફાઇઝર વૅક્સિનની અસર ઘટતાં હવે વધુ લોકોને બૂસ્ટર અપાશે

21 September, 2021 10:00 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

શુક્રવારે જાહેર કરવામાં આવેલી યાદીથી બહારના લોકોને બૂસ્ટર ડોઝ આપવાનો નિર્ણય આગામી અઠવાડિયામાં લેવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર

ફાઇઝરના કોવિડ-19 બૂસ્ટર ડોઝને ૬૫ વર્ષ કે એથી વધુ વયના અમેરિકનો તેમ જ ગંભીર રોગનું જોખમ ધરાવતા લોકો માટે સીમિત રાખવાનો નિર્ણય પ્રારંભિક પગલું છે, એમ જણાવતાં નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ ડિરેક્ટરે ઉમેર્યું હતું કે આગામી થોડાં અઠવાડિયાંમાં મોટા ભાગના અમેરિકનો માટે બૂસ્ટર ડોઝની વ્યાપક મંજૂરી આપવામાં આવશે.

ડૉક્ટર ફ્રાન્સિસ કોલિન્સે જણાવ્યાનુસાર શુક્રવારે પેનલ દ્વારા કરવામાં આવેલી બૂસ્ટરની ભલામણ ફાઇઝરની બે વૅક્સિનની અસરકારકતા પર ઉપલબ્ધ કરાયેલા આંકડાઓના સ્નેપશોટને ધ્યાનમાં રાખતાં યોગ્ય તથા સાચી હતી. તેમણે કહ્યું હતું કે અમેરિકા અને ઇઝરાયલ તરફથી પ્રાપ્ત થયેલા રિયલ-ટાઇમ ડેટા લોકોમાં વ્યાપક પ્રમાણમાં વૅક્સિનની ઘટતી જતી અસર દેખાઈ રહી છે, જે દૂર કરવાની આવશ્યકતા છે. શુક્રવારે જાહેર કરવામાં આવેલી યાદીથી બહારના લોકોને બૂસ્ટર ડોઝ આપવાનો નિર્ણય આગામી અઠવાડિયામાં લેવામાં આવશે.

અમેરિકાના પ્રમુખ જો બાઇડનના ચીફ મેડિકલ ઍડ્વાઇઝર ડૉક્ટર ઍન્થની ફૌસીએ મોટી સંખ્યામાં અમેરિકનોને બૂસ્ટર ડોઝ હેઠળ આવરી લેવાની ઍડ્વાઇઝરી બોર્ડની યોજનાની પ્રશંસા કરતાં આગામી અઠવાડિયા કે મહિનાઓમાં આ યાદીનું વિસ્તરણ કરવાની ભલામણ કરી હતી.

38.56

અમેરિકામાં રવિવાર સુધીમાં વૅક્સિનના કુલ આટલા કરોડ ડોઝ અપાયા હતા.

30256

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કુલ આટલા નવા કેસ અને ૨૯૫ મૃત્યુ નોંધાયા હતા.

international news washington coronavirus covid19 covid vaccine vaccination drive