ટ્રમ્પ વહીવટી તંત્ર આવ્યા પછી H1 B વિઝા નહીં આપવાના દરમાં ચાર ગણો વધારો

07 November, 2019 03:30 PM IST  |  Mumbai

ટ્રમ્પ વહીવટી તંત્ર આવ્યા પછી H1 B વિઝા નહીં આપવાના દરમાં ચાર ગણો વધારો

અમેરિકાની જ એક સંસ્થાએ હાથ ધરેલા રિસર્ચ અનુસાર ટ્રમ્પ વહીવટી તંત્ર સત્તા પર આવ્યા પછી ભારતીયોને મળતા એચ૧ બી વિઝાની અરજીઓ નકારી કાઢવાના દરમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે. 2015 માં કુલ અરજીમાંથી નકારી કાઢી નાખવાની અરજીનું પ્રમાણ 6 ટકા હતું એ સપ્ટેમ્બર ૨૦૧૯માં વધી ૨૪ ટકા થયું છે.

નૅશનલ ફાઉન્ડેશન ફૉર અમેરિકન પૉલિસી દ્વારા યુએસ સિટિઝનશિપ ઍન્ડ ઇમિગ્રેશન સર્વિસ પાસેથી મળેલા ડેટા અનુસાર આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા ભારતીય કંપનીઓને લક્ષ્ય બનાવી વિઝાની અરજીઓ નકારી કાઢવામાં આવે છે, એવા આક્ષેપ પણ આ અહેવાલમાં સાચા પડી રહ્યા છે. અમેરિકાની કંપનીઓ જેવી કે ઍમેઝૉન, માઇક્રોસૉફ્ટ, ઇન્ટેલ અને ગૂગલ માટે 2015 માં આ રીતે વિઝા નકારી કાઢવાનું પ્રમાણ માત્ર એક ટકા હતું જે વધીને 2019 માં ઍમેઝૉન માટે 6 ટકા, માઇક્રોસૉફ્ટ માટે 8 ટકા, ઇન્ટેલ માટે 7 અને ગૂગલ માટે 3 ટકા થયું છે. ઍપલ જેવી કંપની માટે એ 2 ટકા પર સ્થિર છે.


ભારતીય ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી કંપનીઓ માટે વિઝાની અરજી નકારી કાઢવાનું પ્રમાણ અમેરિકન કંપનીઓની સામે વધારે રહ્યું છે. આ સમયગાળામાં ભારતીય કંપનીઓમાં ટેક મહિન્દ્ર માટે નકારનું પ્રમાણ 4 ટકાથી વધી 41 ટકા, ટીએસીએસ માટે 6 ટકાથી વધી 34 ટકા, વિપ્રો માટે 7 ટકાથી વધી 53 ટકા અને ઇન્ફોસિસ માટે 2 ટકાથી વધી 45 ટકા થયું હોવાનું આ રિસર્ચ જણાવે છે.

સંસ્થાના મતે અમેરિકન વહીવટી તંત્ર વિદેશી નાગરિકો માટે વિજ્ઞાન અને એન્જિનિયરિંગના ક્ષેત્રમાં અમેરિકામાં નોકરી કઠિન બને એવો પ્રયત્ન કરી રહ્યું છે. જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2019 દરમ્યાન નવી નોકરી માટેની 24 ટકા એચ૧ બી વિઝાની અરજીઓ નકારી કાઢવામાં આવી હતી, જ્યારે અહીં કામ કરતા લોકોની નોકરીઓ યથાવત્ રહે એ માટે આવેલી 12 ટકા અરજીઓ પણ પરત કરવામાં આવી હતી. 2015 માં આ યથાવત્ નોકરીઓ માટેની અરજીમાંથી માત્ર 3 ટકા જ પરત કરવામાં આવી હતી.

આ પણ જુઓ : નવા વર્ષે ભગવાન સ્વામિનારાયણને ધરાવાયો ભવ્ય અન્નકૂટ, જુઓ દિવ્ય તસવીરો

વિઝાની અરજીઓ નકારી કાઢવાનું પ્રમાણ વધી ગયું હોવાથી અમેરિકન કંપનીઓ હવે વિદેશમાં પોતાના માટે કર્મચારીઓની શોધ કરી રહી છે. વિદેશી નાગરિકોને અન્યત્ર સીધી નોકરી આપી તેઓ પોતાનું કાર્ય આગળ ધપાવી રહ્યા છે. ટ્રમ્પ વહીવટી તંત્રનો ઉદ્દેશ સ્થાનિકોને રોજગારી વધારે મળે એ માટે પ્રયત્ન કરવાનો હતો એના બદલે હવે અન્ય દેશો સીધી જ ત્યાં નોકરી મળી રહી હોવાથી વધારે આગળ વધી રહ્યા છે.

donald trump united states of america