ગુજરાતી આરોપી ભારતને સોંપવાની સુનાવણી યુકેની કોર્ટમાં મોકૂફ

11 August, 2022 09:06 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

લંડનની અદાલતમાં મંગળવારે પૂરી થયેલી બે દિવસની સુનાવણીમાં તેના પર રાજકીય દમનનો આરોપ તેણે મૂક્યો હતો

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં હત્યા અને અન્ય અનેક અપરાધો બદલ વૉન્ટેડ જયસુખ રાણપરિયાએ યુકેમાં માનસિક આરોગ્યનું કારણ આગળ ધરીને તેને ભારતને સોંપવાની પ્રક્રિયાને પડકારી હતી. લંડનની અદાલતમાં મંગળવારે પૂરી થયેલી બે દિવસની સુનાવણીમાં તેના પર રાજકીય દમનનો આરોપ તેણે મૂક્યો હતો. આ કેસમાં​ ડિસ્ટ્રિક્ટ જજ સારા-જેન ગ્રિફિથ્સે દલીલોના સમાપન માટેની સુનાવણી મોકૂફ રાખી હતી.

૪૧ વર્ષનો આ ગુજરાતી આરોપી જયેશ પટેલ તરીકે પણ ઓળખાય છે. જે એપ્રિલ ૨૦૧૮માં ગુજરાતમાં વકીલ કિરીટ જોશીની હત્યા માટે ત્રણ કરોડ રૂપિયામાં ભાડૂતી હત્યારાને હાયર કરવા બદલ ભારતમાં વૉન્ટેડ છે. અદાલતને જણાવવામાં આવ્યું હતું કે રાણપરિયાની માર્ચ ૨૦૨૧માં લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી ત્યારે તેની પાસેથી અનેક બનાવટી ઓળખ દસ્તાવેજો અને બૅન્ક-કાર્ડ્ઝ જપ્ત કરવામાં આવ્યાં હતાં.

દ​​​િક્ષણ-પૂર્વ લંડનની એક જેલમાં કેદ રાણપરિયા વિડિયો-કૉન્ફરન્સના માધ્યમથી સુનાવણી માટે અદાલતમાં હાજર થયો હતો. 

international news london