✕

GTA6ની રેકૉર્ડબ્રેક કમાણીઃ પહેલા દિવસે રીટેલ વેચાણમાં ૩૫,૧૨૬ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો

23 November, 2026 11:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગેમિંગની દુનિયામાં જેની ૧૩ વર્ષથી રાહ જોવાઈ રહી હતી એ ગેમ ગ્રૅન્ડ થેફ્ટ ઑટો (GTA)ની છઠ્ઠી સિરીઝ લૉન્ચ થતાંની સાથે જ કમાણી કરવામાં પણ પહેલા નંબરે પહોંચી છે

ગેમ ગ્રૅન્ડ થેફ્ટ ઑટો (GTA)

ગેમિંગની દુનિયામાં જેની ૧૩ વર્ષથી રાહ જોવાઈ રહી હતી એ ગેમ ગ્રૅન્ડ થેફ્ટ ઑટો (GTA)ની છઠ્ઠી સિરીઝ લૉન્ચ થતાંની સાથે જ કમાણી કરવામાં પણ પહેલા નંબરે પહોંચી છે. આ લોકપ્રિય વિડિયો-ગેમ GTA6એ પહેલા જ દિવસે છૂટક વેચાણમાંથી ૩.૭૯ અબજ ડૉલર (આશરે ૩૫,૧૨૬ કરોડ રૂપિયા)ની કમાણી કરીને નવો રેકૉર્ડ બનાવ્યો છે. આ સાથે GTA6એ મનોરંજન ઉદ્યોગમાં અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગનો ખિતાબ પણ મેળવ્યો છે. ટેક-ટુ ઇન્ટરઍક્ટિવ સૉફ્ટવેરના યુનિટ રૉકસ્ટાર ગેમ્સે આ જાણકારી આપી છે.

આ મુદ્દે કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે ગ્રૅન્ડ થેફ્ટ ઑટો 6ને મેટાક્રિટિક પર ૧૦૦માંથી ૯૯ પૉઇન્ટ મળ્યા છે. મેટાક્રિટિક એક એવી વેબસાઇટ છે જે પ્રોફેશનલ ટીકાકારોની સમીક્ષાઓને જોડીને પૉઇન્ટ આપે છે. આ રમતને વિવેચકો તરફથી જબરદસ્ત પ્રશંસા મળી છે. વધુમાં એની રિલીઝ પહેલાં જ ૩.૨૫ કરોડ નકલો વેચાઈ હતી, જે તમામ પ્લૅટફૉર્મ પર નવો રેકૉર્ડ છે. આ મુદ્દે રૉકસ્ટાર ગેમ્સના પ્રમુખ અને સ્થાપક સેમ હાઉસરે જણાવ્યું હતું કે ‘વિશ્વભરના ખેલાડીઓ તરફથી મળેલા પ્રતિભાવથી અમે અભિભૂત છીએ અને તેમની સાથે આ ક્ષણ શૅર કરવા માટે રોમાંચિત છીએ.’
ચાહકો GTA6 વિશે એટલા ઉત્સાહિત હતા કે તેઓ તેમના કામના સમયપત્રકમાં ફેરફાર કરી રહ્યા હતા અને લાંબા સમય સુધી રમવા માટે મીટિંગ્સ પણ છોડી રહ્યા હતા. ભારતમાં બન્ને કન્સોલ સ્ટોર્સ પર ગેમના સ્ટાન્ડર્ડ વર્ઝનની કિંમત ૫૯૯૯ રૂપિયા અને અલ્ટીમેટ વર્ઝનની કિંમત ૭૪૯૯ રૂપિયા છે.

international news world news tech news technology news entertainment news