યુકે બાદ હવે ફ્રાન્સે સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્ય તરીકે ભારતની દાવેદારીને સપોર્ટ આપ્યો

20 November, 2022 09:49 AM IST  |  United Nations | Gujarati Mid-day Correspondent

યુનાઇટેડ કિંગડમે પણ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્ય બનવા માટેની ભારત, જર્મની, જપાન અને બ્રાઝિલની દાવેદારીને સપોર્ટ આપ્યો હતો

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

ફ્રાન્સે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્ય તરીકે ભારત, જર્મની, બ્રાઝિલ અને જપાનની દાવેદારી માટે એનો સપોર્ટ ફરી જાહેર કર્યો હતો. આ શક્તિશાળી વૈશ્વિક પરિષદમાં સ્થાયી ​ઉપસ્થિતિની જવાબદારી સંભાળવા ઇચ્છતા અને સક્ષમ નવી શક્તિઓના ઉદ્ભવને ધ્યાનમાં રાખવાની જરૂર હોવાનું ફ્રાન્સે જણાવ્યું હતું.

નોંધપાત્ર છે કે યુનાઇટેડ કિંગડમે પણ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્ય બનવા માટેની ભારત, જર્મની, જપાન અને બ્રાઝિલની દાવેદારીને સપોર્ટ આપ્યો હતો.

સંયુક્ત રાષ્ટ્રની મહાસભાની બેઠકને સંબોધતાં યુએનમાં ફ્રાન્સના ડેપ્યુટી પર્મેનન્ટ રિપ્રેઝન્ટેટિવ નથાલી બ્રૉડહર્સ્ટે કહ્યું હતું કે ‘ફ્રાન્સનું સા​તત્યપૂર્ણ અને જગજાહેર વલણ રહ્યું છે. અમે ઇચ્છીએ છીએ કે આ પરિષદમાં આજની દુનિયાનું એ રીતે વધુ પ્રતિનિધિત્વ રહે કે જેનાથી એની ઑથોરિટી અને અસરકારકતા વધુ મજબૂત થાય.’

તેમણે વધુ જણાવ્યું હતું કે ‘ફ્રાન્સ ભારત, બ્રાઝિલ, જર્મની અને જપાનની કાયમી સભ્ય તરીકેની ઉમેદવારીને સપોર્ટ આપે છે. અમને આફ્રિકન દેશોની મજબૂત ઉપસ્થિતિ જોવાનું પણ ગમશે. દુનિયામાં તમામ ભૌગોલિક ક્ષેત્રોનું સમાન પ્રતિનિધિત્વ રહે એ રીતે બાકીની સીટ્સની વહેંચણી કરવી જોઈએ.’ 

international news united nations india china france