ચીનમાં પૂરના પ્રકોપથી ભૂગર્ભ મેટ્રો સ્ટેશન ડૂબ્યું, હેનાન પ્રાંતમાં ૩૩ જણનાં મૃત્યુ

23 July, 2021 10:18 AM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

ચીનમાં વરસાદથી લાખો હેક્ટર જમીનના પાક નાશ પામ્યો છે

કુદરત કોઈને ન છોડે, કરે એ ભરે: કોવિડના વિશ્વભરના ફેલાવા માટે જવાબદાર મનાતા ચીનમાં ખાસ કરીને હેનાન પ્રાંતમાં પૂરને કારણે લાખો લોકોનું જનજીવન ખોરવાઈ ગયું છે. ઝેંગ્ઝો શહેરમાં ભૂગર્ભ મેટ્રો ટ્રેન સ્ટેશન ખાતે અડધી ડૂબી ગઈ હતી તો એક જાણીતા વિસ્તારમાં એક છોકરીને રક્ષકોએ પાણીમાં તણાઈ જતાં બચાવી લીધી હતી.

ચીનના મધ્ય હેનાન પ્રાંતમાં ૧૦૦૦ વર્ષમાં ન અનુભવાયો હોય એવો ધોધમાર વરસાદ પડ્યો છે અને એને કારણે ઝેંગ્ઝો શહેરમાં ભૂગર્ભ મેટ્રોમાં પાણી ભરાઈ ગયાં હતાં તેમ જ જમીન પર લોકોને છાતી સુધી પાણી આવતાં હતાં જેને કારણે તેઓ જમીનથી ઉપર બનેલી મેટ્રો ટ્રેનમાં પ્રવાસ કરવા મજબૂર થઈ ગયા હતા. હેનાન પ્રાંતમાં અને બીજા પ્રાંતમાં ધોધમાર વરસાદથી કુલ ૩૩ જણનાં મૃત્યુ થયાં છે અને બીજા અનેક ગુમ હતા. લગભગ એક કરોડ લોકોને બચાવવા માટે હજારો સૈનિકો આવી પહોંચ્યા છે. ઝેંગ્ઝો પ્રાન્તમાં ઘણી ઇમારતોને પણ નુકસાન થયું છે. એક કલાકના વરસાદને પગલે એક બંધ ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો.

ચીનમાં વરસાદથી લાખો હેક્ટર જમીનના પાક નાશ પામ્યો છે જેનાથી ચીનના અર્થતંત્રને આશરે ૧૮ કરોડ ડૉલરનું નુકસાન થયું છે.

international news china beijing