ઓમાઇક્રોન પછી વધુ જોખમી વેરિઅન્ટ્સ માટે તૈયાર રહો, સાયન્ટિસ્ટ્સની ચેતવણી

17 January, 2022 09:41 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

હજી સુધી એક્સપર્ટ્સ દ્વારા ખાતરીપૂર્વક જણાવાયું નથી કે આગામી વેરિઅન્ટ્સની અસર કેવી રહેશે

પ્રતીકાત્મક તસવીર

વધુ ગ્રીક લેટર્સ શીખવા માટે તૈયાર થઈ જાઓ. સાયન્ટિસ્ટ્સે ચેતવણી આપી છે કે ઓમાઇક્રોન એ સમગ્ર દુનિયા માટે ચિંતા જગાવતું કોરોના વાઇરસનું છેલ્લું વર્ઝન નહીં હોય. 
દરેક ઇન્ફેક્શનથી મ્યુટેટ થવા માટે વાઇરસને ચાન્સ મળે છે. અન્ય વેરિઅન્ટ્સની સરખામણીમાં ઓમાઇક્રોનને એક ઍડ્વાન્ટેજ છે. વૅક્સિન્સ તેમ જ આ પહેલાંના ઇન્ફેક્શન્સથી ઍન્ટિબૉડીઝ બન્યાં હોવા છતાં એ ખૂબ જ ઝડપથી દુનિયામાં ફેલાયો છે. જેનો અર્થ એ થયો કે વધુ લોકોમાં આ વાઇરસ વધુ ઇન્વૉલ્વ થઈ શકે છે. હજી સુધી એક્સપર્ટ્સ દ્વારા ખાતરીપૂર્વક જણાવાયું નથી કે આગામી વેરિઅન્ટ્સની અસર કેવી રહેશે. જોકે તેઓ એટલું જણાવે છે કે ઓમાઇક્રોન પછીના વેરિઅન્ટ્સથી માઇલ્ડ બીમારી થશે કે અત્યારની વૅક્સિન્સ એની વિરુદ્ધ કામ કરશે એવી કોઈ ગૅરન્ટી નથી. 
અમેરિકાની બૉસ્ટન યુનિવર્સિટીના એપિડેમિયોલૉજિસ્ટ લિયોનાર્ડો માર્ટિનેઝે જણાવ્યું હતું કે ‘ઓમાઇક્રોન વધુ ઝડપથી ફેલાતો હોવાને કારણે મ્યુટેશન માટે વધુ તક રહે છે અને એના લીધે વધુ વેરિઅન્ટ્સ સર્જાઈ શકે છે.’
રિસર્ચ અનુસાર ઓમાઇક્રોન ડેલ્ટા કરતાં બમણો ચેપી અને આ વાઇરસના ઓરિજિનલ વર્ઝન કરતાં ઓછામાં ઓછો ચાર ગણો વધારે ચેપી છે. 
અમેરિકાની જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટી ખાતે ચેપી રોગોના નિષ્ણાત ડૉ. સ્ટુઅર્ટ કૅમ્પબેલ રએએ જણાવ્યું હતું કે ‘આ લાંબા સમય સુધી રહેનારા ઇન્ફેક્શન એ નવા વેરિઅન્ટ્સ માટે બ્રીડિંગ ગ્રાઉન્ડ્સ હોય એમ જણાય છે.’ 
તેમણે જણાવ્યું હતું કે ‘લોકોને સવાલ થઈ રહ્યો છે કે શું આ વાઇરસ વધુ માઇલ્ડ થશે, પરંતુ એમ માનવા માટે કોઈ કારણ નથી. હું નથી માનતો કે સમયની સાથે આ વાઇરસ ઓછો ઘાતક બનશે એવો આપણે વિશ્વાસ રાખવો જોઈએ.’

નવા વેરિઅન્ટ્સ માટેના સંભવિત માર્ગો

૧. ઍનિમલ્સ વાઇરસથી સંક્રમિત થાય અને એમનામાં નવા વેરિઅન્ટ્સ જન્મે. પાળેલાં ડૉગ, બિલાડી, હરણ અને મિન્ક આ વાઇરસથી સંક્રમિત થઈ શકે છે. આ વાઇરસ તેમનામાં મ્યુટેટ થઈ શકે અને તેમનામાંથી નવા વેરિઅન્ટનો ચેપ પાછો માણસોને લાગી શકે છે. 
૨. બીજો સંભવિત રૂટ ડબલ ઇન્ફેક્શનનો છે. જેમ કે અત્યારે લોકોને ઓમાઇક્રોન અને ડેલ્ટા બન્નેનું ઇન્ફેક્શન થઈ શકે છે, જેને લીધે હાઇબ્રીડ વેરિઅન્ટ જન્મી શકે છે.

2,71,202 
ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના આટલા નવા કેસ નોંધાયા

7,743 
ભારતમાં અત્યાર સુધીમાં ઓમાઇક્રોનના આટલા કેસ નોંધાયા

coronavirus covid19 Omicron Variant international news