ભારત-ચીન સીમા પર સ્થિતિ ખરાબ, અમેરિકા મદદ કરવા તૈયાર: ડોનાલ્ડ ટ્રમ્પ

05 September, 2020 12:10 PM IST  |  Washington | Gujarati Mid-day Online Correspondent

ભારત-ચીન સીમા પર સ્થિતિ ખરાબ, અમેરિકા મદદ કરવા તૈયાર: ડોનાલ્ડ ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)

અમેરિકામાં ત્રીજી નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાવાની છે. આ દરમિયાન અમેરિકાની બન્ને રાજકીય પાર્ટી ભારતીય-અમેરિકનોને મનાવવા માટે લાગી છે. રિપબ્લિકન પાર્ટી (Republican Party) તરફથી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ભારતીય મતદારોને મનાવવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ની પ્રશંસા કરી રહ્યા છે. સાથે જ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને ચીન સીમા વિવાદને જોખમી ગણાવ્યો છે. તેમણે કહ્યું છે કે, બન્ને દેશો વચ્ચે સીમા પર સ્થિતિ ખૂબ ખરાબ છે અને ચીન તે વિવાદ વધારી રહ્યો છે. હું આ મુદ્દે બન્ને દેશોની મદદ કરવા માંગુ છું. આ મુદ્દે ભારત અને ચીન સાથે પણ વાતચીત કરવામાં આવી રહી છે.

આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતાં ટ્રમ્પે કહ્યું કે, નરેન્દ્ર મોદી મારા ઘણાં સારા મિત્ર છે. તેઓ શાનદાર રીતે કામ કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મને ભારતીય મૂળના લોકોનું સંપૂર્ણ સમર્થન મળશે.

વ્હાઈટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે, ભારત અને ચીન સીમા વિવાદ જોખમી સ્થિતિમાં પહોંચી ગયો છે. ચીન આ તણાવ વધારી રહ્યો છે. પરંતુ અમે ઈચ્છીએ છીએ કે આ વિવાદનો ઉકેલ આવે. હું તેમાં મદદ કરવા તૈયાર છું. અમે બન્ને દેશોના સંપર્કમાં છીએ. જો આ વિવાદનો ઉકેલ લાવવા માટે અમે કઈ કરી શકીએ એમ હોઈએ તો અમે હંમેશા તૈયાર છીએ. જ્યારે ટ્રમ્પને એવું પુછવામાં આવ્યું કે, શું ચીન ભારતને ધમકાવે છે? ત્યારે ટ્રમ્પે કહ્યું કે, એવું ચોક્કસ હોઈ શકે છે.

ડોનાલ્ડ ટ્રમ્પને વડાપ્રધાન મોદી વિશે પુછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી મારા મિત્ર છે અને તેઓ એક શાનદાર નેતા છે. તેઓ મુશ્કેલ સમયમાં પણ ખુબ સરસ રીતે કામ કરી રહ્યા છે. મોદી માત્ર નેતા જ નહીં એક સારા વ્યક્તિ પણ છે. ફેબ્રુઆરીમાં ભારત પ્રવાસનો ઉલ્લેખ કરતાં ટ્રમ્પે કહ્યું કે, તે ખૂબ સારી મુલાકાત હતી, ભારતના લોકો ખુબ સારા છે. આ પહેલાં પણ ટ્રમ્પે મોદીના હ્યુસ્ટન હાઉડી મોદી કાર્યક્રમના પણ વખાણ કર્યા હતા. તેણે કહ્યું હતું કે, ભારત અને વડાપ્રધાન મોદી પાસેથી અમને ઘણો સપોર્ટ મળ્યો છે. મને વિશ્વાસ છે કે, ચૂંટણીમાં ભારતી મૂળના લોકો ટ્રમ્પને જ વોટ આપશે.

international news india china united states of america donald trump narendra modi