06 September, 2025 10:42 AM IST | Shanghai | Gujarati Mid-day Correspondent
SCO સમિટ દરમ્યાનના આ ફોટોને પોસ્ટ કરીને ડોનલ્ડ ટ્રમ્પે ભારત-રશિયા પર નિશાન સાધ્યું હતું.
શુક્રવારે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે સોશ્યલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કરીને ચકચાર મચાવી હતી. આ ફોટો ચીનમાં શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશન (SCO) સમિટ દરમ્યાનનો છે જ્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી એકસાથે હરી-ફરી રહ્યા હતા. પુતિન, જિનપિંગ અને નરેન્દ્ર મોદી મુખ્ય દરવાજામાંથી એકસાથે અંદર પ્રવેશી રહ્યા હોય એવો ફોટો પોસ્ટ કરવા સાથે ડોનલ્ડ ટ્રમ્પે તીખા લખાણ દ્વારા કટાક્ષ કર્યો હતો અને સાથે ભારત-રશિયા માટે નિરાશા પણ દર્શાવી હતી.
ડોનલ્ડ ટ્રમ્પે લખ્યું હતું કે ‘હવે એવું લાગી રહ્યું છે કે આપણે ભારત અને રશિયાને ભેદી ચીન સામે ગુમાવી દીધાં છે. હું આશા રાખું છું કે એમને બધાને સહિયારું, લાંબું અને સમૃદ્ધ ભવિષ્ય મળી રહે.’
ડોનલ્ડ ટ્રમ્પે કોઈ સ્પષ્ટ વાત નહોતી કરી, પણ એવો સંકેત આપ્યો હતો કે ભારત અને રશિયાની ચીન સાથે નજદીકીને લીધે અમેરિકાના પેટમાં પાણી રેડાયું છે. તેમણે પસંદ કરેલા શબ્દોમાં એવો સંદેશ આપ્યો હતો કે ભારત અને રશિયા ચીનના ખોળામાં બેસી ગયાં છે અને હવે બન્ને અમેરિકાથી દૂર થઈ જશે એટલે બન્ને દેશોને ટ્રમ્પે કટાક્ષમાં ચીન સાથેના સારા ભવિષ્ય માટે શુભેચ્છાઓ પણ આપી હતી.