01 August, 2025 11:03 AM IST | Moscow | Gujarati Mid-day Correspondent
રશિયાની સિક્યૉરિટી કાઉન્સિલના ડેપ્યુટી ચૅરમૅન દમિત્રી મેડવેદેવ
ગઈ કાલે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત અને રશિયાની અર્થવ્યવસ્થાને ડેડ ઇકૉનૉમી ગણાવીને ભારે ટીકા કરી હતી એટલું જ નહીં, ટ્રમ્પે રશિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને અત્યારના રશિયાની સિક્યૉરિટી કાઉન્સિલના ડેપ્યુટી ચૅરમૅન દમિત્રી મેડવેદેવની આકરા શબ્દોમાં ટીકા પણ કરી હતી. ટ્રમ્પે મેડવેદેવને નિષ્ફળ રાષ્ટ્રપતિ ગણાવ્યા હતા અને એવું પણ લખ્યું હતું કે મેડવેદેવ એવું સમજે છે કે તે હજી રશિયાનો રાષ્ટ્રપતિ છે.
જોકે આની સામે મેડવેદેવે પણ આકરા શબ્દોમાં પ્રહાર કરતાં કહ્યું હતું કે ડોનલ્ડ ટ્રમ્પે તેની સૌથી પ્રિય વકિંગ ડેડની ફિલ્મો યાદ કરી લેવી જોઈએ (જેથી તેમને સમજાય કે મરેલાઓ પણ કેટલા ખતરનાક હોય છે). અને એ પણ યાદ રાખવું જોઈએ કે અસ્તિત્વ ન ધરાવતો હોવા છતાં ‘ડેડ હૅન્ડ’ કેટલી ભયાનક સાબિત થઈ શકે છે.
અલબત્ત, ડેડ હૅન્ડ શબ્દપ્રયોગ અમેરિકા-રશિયા વચ્ચેની કોલ્ડ વૉર દરમિયાન ખૂબ ગાજ્યો હતો. એ સમયે અમેરિકા દ્વારા રશિયા પર ન્યુક્લિયર અટૅક થાય તો કોઈ નેતા કે સેનાના અધિકારીના આદેશ વગર પણ જવાબી ન્યુક્લિયર હુમલો થઈ શકે એવી સિસ્ટમ રશિયાએ વિકસાવી હતી. આ સિસ્ટમ ‘ડેડ હૅન્ડ’ તરીકે પ્રચલિત હતી.