ઈરાનને માત આપવા ડોનલ્ડ ટ્રમ્પે ભારતથી યુરોપ સુધીના મેગા કૉરિડોરને આપ્યું સમર્થન

24 September, 2026 04:22 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

અમેરિકાના પ્રમુખે ઇન્ડિયા-મિડલ ઈસ્ટ-યુરોપ ઇકૉનૉમિક કૉરિડોર પ્રોજેક્ટને સુરક્ષિત વેપાર માટે મહત્ત્વનો ગણાવ્યો

ડોનલ્ડ ટ્રમ્પ

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક દરમ્યાન ઇન્ડિયા-મિડલ ઈસ્ટ-યુરોપ ઇકૉનૉમિક કૉરિડોર (IMEC)ને ખુલ્લું સમર્થન આપ્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ જણાવ્યું હતું કે ઈરાનના સતત આતંકવાદી હુમલાઓને કારણે પશ્ચિમ એશિયાના ઊર્જા-રૂટને ઈરાનના ચેકપૉઇન્ટથી દૂર કરવાની સખત જરૂર છે. આથી અમેરિકા આ મેગા પ્રોજેક્ટ અને અન્ય ઑઇલ પાઇપલાઇન વિકલ્પોનું દૃઢપણે સમર્થન કરી રહ્યું છે. 
૨૦૨૩માં નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી G20 સમિટમાં આ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી. આ કૉરિડોર ભારતને ગલ્ફ દેશો સાથે દરિયાઈ માર્ગે અને ત્યાંથી યુરોપ સાથે રેલવે અને રોડ નેટવર્કથી જોડશે. એનાથી ભારતનો વેપાર વધશે અને સપ્લાય વધુ સુરક્ષિત બનશે. ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકરે પણ આ મામલે તાજેતરમાં યુરોપિયન યુનિયન સાથે બેઠક કરી હતી.
ટૂંકમાં કહીએ તો IMEC માત્ર એક ટ્રેડ-રૂટ નથી પણ ચીનના બેલ્ટ અૅન્ડ રોડ ઇનિશિએટિવ (BRI) સામેનો મોટો પડકાર છે. જોકે હાલમાં ગાઝા અને ઈરાન યુદ્ધને કારણે આ પ્રોજેક્ટનું કામ ધીમું પડ્યું છે પરંતુ ટ્રમ્પના સીધા સમર્થનથી સ્પષ્ટ થાય છે કે અમેરિકા અબજો રૂપિયાના આ પ્રોજેક્ટને ભવિષ્યના સુરક્ષિત ઑઇલ સપ્લાય અને ટ્રેડ નેટવર્ક માટે કોઈ પણ ભોગે સાકાર કરવા સંપૂર્ણપણે તૈયાર છે.

donald trump united states of america india indian economy narendra modi news international news