અમેરિકાએ H-1B વિઝા પર પ્રતિબંધ બાદ આપી છૂટ, ભારતીયોને રાહત

13 August, 2020 11:10 AM IST  |  Washington | Gujarati Mid-day Online Correspondent

અમેરિકાએ H-1B વિઝા પર પ્રતિબંધ બાદ આપી છૂટ, ભારતીયોને રાહત

ફાઈલ તસવીર

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) સરકારે H-1B વિઝાના કેટલાંક નિયમોમાં ઢીલ આપતા અમેરિકામાં કામ કરતાં ભારતીયો માટે આ ખુશીના સમાચાર છે. ટ્રમ્પ સરકારે H-1B વિઝાના નિયમોમાં છૂટછાટ આપી છે તેનો સીધો ફાયદો અમેરિકામાં કામ કરતાં ભારતીયોને થવાનો છે. આ છૂટછાટ બાદ H-1B વિઝાધારકોને અમેરિકામાં ફરીથી પ્રવેશની મંજૂરી મળી શકશે. જોકે, આ છૂટ માત્ર તેમને જ મળી રહી છે જે તેમની નોકરીઓમાં પરત જોડાવવાના હોય. જેઓ આ વિઝા પ્રતિબંધની ઘોષણા થઈ તે પહેલાથી કામ કરી રહ્યાં હતાં. નવી નોકરીઓ માટે હાલ આ છૂટ નહીં આપવામાં આવે.

અમેરિકાના વિદેશ મંત્રાલયના સલાહકારે કહ્યું છે કે, આશ્રિતોને પણ પ્રાથમિક વિઝાધારકોની સાથે યાત્રા કરવાની મંજૂરી આપવામાં આવશે. વિભાગીય સલાહકારે કહ્યું છે કે, એક જ નિયોક્તા અને પોતાના જૂના જ રોજગારને ફરીથી શરૂ કરનારાઓને આવવાની મંજૂરી આપવામાં આવે છે. ટ્રમ્પ પ્રશાસને ટેકનીકલ એક્સપર્ટ્સ, વરિષ્ઠ સ્તરના પ્રબંધકો અને અન્ય શ્રમિકોને પણ યાત્રાની મંજૂરી આપી છે, જે H-1B વિઝા ધરાવે છે અને જેમની યાત્રા સંયુક્ત રાજ્ય અમેરિકાની તત્કાલ અને નિરંતર આર્થિક સ્થિતિને સુવિધાજનક બનાવવા માટે આવશ્યક છે.

નોંધનીય છે કે, અમેરિકાની સરકારે છૂટ એ લોકોને આપી છે જેઓ કોરોના મહામારીના પ્રભાવને ઓછો કરવા માટે કે પર્યાપ્ત સાર્વજનિક સ્વાસ્થ્ય લાભવાળા ક્ષેત્રમાં ચાલી રહેલા ચિકિત્સા અનુસંધાનનું સંચાલન કરવા માટે સાર્વજનિક સ્વાસ્થ્ય કે સ્વાસ્થ્ય દેખભાળ પ્રોફેશનલ્સ કે રિસર્ચરના રૂપમાં કામ કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રોજગાર આધારિત અનેક અમેરિકન વિઝા પ્રોગ્રામ પર અસ્થાયી રીતે રોક લગાવી દીધી હતી. કોરોનાને કારણે અનેક અમેરિકનો બેરોજગાર થયા હતાં એટલે તેમને પાછી નોકરી મળે તે માટે તેમણે વિદેશીઓના વિઝા પર પ્રતિબંધ લાદ્યો છે. આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે ઘોષણા કરી હતી કે તેઓ ટૂંક સમયમાં જ H-1B વીઝા માટે નવા નિયમ બનાવવા જઈ રહ્યાં છે.

coronavirus covid19 international news united states of america donald trump india