ટ્રમ્પે ઈરાન પર હુમલો કરવા મંજૂરી આપ્યા બાદ નિર્ણય પાછો ખેંચી લીધો

22 June, 2019 07:48 AM IST  |  વૉશિંગ્ટન

ટ્રમ્પે ઈરાન પર હુમલો કરવા મંજૂરી આપ્યા બાદ નિર્ણય પાછો ખેંચી લીધો

ડૉનલ્ડ ટ્રમ્પ

ઇરાન દ્વારા અમેરિકાનું માનવરહિત સર્વેલન્સ ડ્રોન તોડી પાડ્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનલ્ડ ટ્રમ્પે ઇરાન પર સૈન્ય હુમલો કરવાની મંજૂરી આપી દીધી હતી. જોકે હુમલા પહેલાં તેમણે પોતાના નિર્ણયને બદલી નાખ્યો હતો. ટ્રમ્પે હુમલાની મંજૂરી આપ્યા બાદ નિર્ણય ફેરવી તોળ્યો હોવાનું એક રિપોર્ટ દ્વારા જણાયું છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ, નિર્ણયની જાણકારી રાખનારા એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું કે ‘ડૉનલ્ડ ટ્રમ્પે રડાર અને મિસાઇલ બૅટરીઓ જેવાં કેટલાંક ઠેકાણાઓ પર સૈન્ય હુમલાની મંજૂરી આપી દીધી હતી. આ હુમલો શુક્રવારે સૂર્યોદય પહેલાં કરવાની યોજના બનાવાઈ હતી જેથી ઇરાની સેના અને નાગરિકોને ઓછામાં ઓછું નુકસાન થાય.’

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વિમાન હવામાં હતા અને જહાજ પોતાની પૉઝિશનમાં હતાં પરંતુ કોઈ મિસાઇલ છોડવામાં આવી નહોતી. ડૉનલ્ડ ટ્રમ્પ અગાઉ ૨૦૧૭ અને ૨૦૧૮માં સીરિયામાં હુમલા કરી ચૂક્યા છે. રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, હજુ એ સ્પષ્ટ નથી કે ઇરાન પર હુમલા હજી પણ થઈ શકે છે કે નહીં. હજુ એ પણ સ્પષ્ટ નથી કે અમેરિકાના રાષ્ટ્રપતિએ પોતાનો નિર્ણય કયા કારણોસર પાછો ખેંચ્યો.

આ પણ વાંચો : મેક્સિકોમાં ઝૂલતી રાઇડ પરથી મહિલા નીચે ગબડી પડી

ઇરાનના રિવૉલ્યુશનરી ગાર્ડે ગુરુવારે દાવો કર્યો હતો કે, તેમણે અમેરિકાનું એક જાસૂસી ડ્રોન તોડી પાડ્યું છે. ત્યારબાદ અમેરિકાના રક્ષા મંત્રાલયના હેડ ક્વાર્ટર્સ પેન્ટાગોને પણ આ વાતની પુષ્ટિ કરી હતી. ઇરાનના આ પગલાં પર ભડકેલા રાષ્ટ્રપતિ ડૉનલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે - ‘ઇરાને આવું પગલું ભરીને મોટી ભૂલ કરી દીધી છે. ઇરાનને આની કિંમત ચૂકવવી પડશે.’

donald trump iran