તાલિબાન સાથે અમેરિકાએ કર્યા શાંતિકરાર

01 March, 2020 10:54 AM IST  |  Doha

તાલિબાન સાથે અમેરિકાએ કર્યા શાંતિકરાર

દોહામાં ગઈ કાલે શાંતિકરાર પર હસ્તાક્ષર કર્યા બાદ અમેરિકાના અફઘાનિસ્તાન માટેના વિશેષ પ્રતિનિધિ ઝાલ્મે ખલિલઝાદ સાથે હાથ મિલાવતા તાલિબાનના સહસ્થાપક મુલ્લા અબ્દુલ ગની બરાદર. (તસવીર : પી.ટી.આઇ.)

અમેરિકાએ ગઈ કાલે કતારના દોહામાં તાલિબાન સાથે એક ઐતિહાસિક શાંતિકરાર કર્યો જેમાં લાંબા સમયથી ચાલ્યા આવતા યુદ્ધમાંથી બહાર નીકળવા માટે ૧૪ મહિનાની અંદર અફઘાનિસ્તાનમાંથી તેના સૈન્યને પાછું ખેંચી લેવાનું ટાઇમટેબલ ઘડ્યું છે. આ કરારને પગલે અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપવા માટે તાલિબાન અને કાબુલની સરકાર વચ્ચે વાર્તાલાપ થવાની શક્યતા છે. જો આ વાર્તાલાપ સફળ થાય તો ૧૮ વર્ષથી અમેરિકા અને તાલિબાનો વચ્ચે ચાલતા સંઘર્ષનો અંત આવી જશે. તાલિબાનના લડવૈયામાંથી ડીલ મેકર બનેલા મુલ્લા બરાદર અને વૉશિંગ્ટનના મુખ્ય મંત્રણાકાર ઝાલ્મે ખલીલઝાદ વચ્ચે દોહાની એક વૈભવી હોટેલની કૉન્ફરન્સ રૂમમાં કરાર કરવામાં આવ્યા હતા.

કરાર બાદ આખો રૂમ અલ્લાહો અકબરના નારાથી ગૂંજી ઊઠ્યો હતો. અમેરિકાના સચિવ માઇક પોમ્પિયોએ કરારનું અવલોકન કરતાં અલકાયદા સાથેના સંપર્કો તોડી નાખવાનું આપેલું વચન યાદ રાખવા જણાવ્યું હતું. બન્ને દેશો વચ્ચે કરાર થવાની પૂર્વસંધ્યાએ અમેરિકી પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે અફઘાનની જનતાને નવા ઉજ્જ્વળ ભવિષ્ય માટે તૈયાર રહેવા જણાવી ઉમેર્યું હતું કે ‘જો તાલીબાન અને અફઘાનિસ્તાન સરકાર તેમના વચન પર કાયમ રહેશે તો અફઘાનિસ્તાનમાં યુદ્ધનો અંત લાવી સૈન્યને પાછું ખેંચી લઈ ઉજ્જ્વળ ભવિષ્યનો માર્ગ તૈયાર થઈ શકશે.’

જોકે અમેરિકા અને તાલિબાન વચ્ચેના વાર્તાલાપમાંથી બાકાત રાખવામાં આવેલા અફઘાનની સ્થિતિ અસ્પષ્ટ રહી છે તથા એ હાલમાં જ થયેલી ચૂંટણીનાં પરિણામો વચ્ચે નવી રાજકીય કટોકટીમાં સપડાયું છે.

taliban afghanistan india united states of america international news