તોફાનોમાં શિકાગોમાં મૂળ ગુજરાતીનો સ્ટોર લૂંટાયો, 500નું ટોળું ઘૂસી ગયું

06 June, 2020 11:10 AM IST  |  Chicago | Agencies

તોફાનોમાં શિકાગોમાં મૂળ ગુજરાતીનો સ્ટોર લૂંટાયો, 500નું ટોળું ઘૂસી ગયું

પ્રતીકાત્મક તસવીર

મૂળ ગુજરાતના રાજુલાના વતની અંબરિષ ઠાકર ૨૦૦૯થી શિકાગો ખાતે વસવાટ કરે છે. શિકાગો અને આસપાસના વિસ્તારોમાં મોટેલ, લિકર-ગ્રોસરી અને હેલ્થ-વેલનેસ સ્ટોર્સ ધરાવે છે. અમેરિકામાં પ્રસરેલા તાજેતરનાં રમખાણો દરમ્યાન તેમના સ્ટોર્સ પણ લૂંટ અને તોડફોડનો ભોગ બન્યાં છે.

તેમણે આ અંગેની વિગતો જાહેર કરતાં કહ્યું કે ડરના માર્યા શું કરવું એ અમે હજુ વિચારીએ એ પહેલાં આશરે ૫૦૦થી વધુ લોકોનું ટોળુ અમારી લેનમાં તોડફોડ કરવા માંડ્યું. એ ટોળામાં મોટી સંખ્યામાં અશ્વેતોની સાથે કેટલાક ગોરાઓ પણ સામેલ હતા. માત્ર લૂંટફાટ જ નહીં, જાણે બદલો લેવાનો આક્રોશ હોય એવું પણ એમના હિંસક વર્તનમાં સ્પષ્ટ જોવા મળતું હતું.

તોફાનો એટલાં સુઆયોજિત હતા કે તેઓ વજનદાર હેમર, મેટલ કટર, પાઇપ ઉપરાંત ઑટોમેટિક ગન લઈને ખુલ્લેઆમ ઘૂમતા હતા. હું અગિયાર વર્ષથી અમેરિકામાં છું, પણ આવી અરાજક અને હિંસક સ્થિતિ આ પહેલાં મેં કદી જોઈ નથી. મારા સ્ટોરની આસપાસના સ્ટોર્સ તેમ જ શૉપિંગ કૉમ્પ્લેક્સમાં તોડફોડ શરૂ થઈ એટલે અમે સમજી જ ગયા કે હવે આપણો વારો છે. પ્રતિકાર કરવાથી મામલો વધુ વણસે તેમ હતો અને પોલીસ આવતી નહોતી એટલે અમે જાણે વારો આવે તેની રાહ જોતાં હોઈએ એમ સ્ટોરમાં ફફડતા બેસી રહ્યા.

તેમણે કહ્યું કે છેવટે અમારોય વારો આવી જ ગયો. મોટી સંખ્યામાં ટોળું અમારા સ્ટોરમાં પ્રવેશ્યું અને અંદર આવતાંવેંત વજનદાર હથોડા જ્યાં ત્યાં ફટકારવા માંડ્યા. કાચ તોડી નાખ્યા. શો-કેસનો માલસામાન ફર્શ પર ફગાવવા માંડ્યા. ફર્નિચર તોડી નાખ્યું, દીવાલોને પણ વજનદાર હથોડા ફટકારીને ભારે નુકસાન પહોંચાડ્યું. લોખંડની વજનદાર કે મજબૂત વોલ્ટ હતી તે મેટલ કટરથી તોડી નાખી અને અંદર પડેલી કૅશ લૂંટી લીધી હતી.

અમેરિકન પોલીસની ક્રૂરતાનો વધુ એક વિડિયો વાઇરલ:ન્યુ યૉર્કમાં એક વૃદ્ધને ધક્કો મારતાં તેનું માથું ફાટી ગયું

અમેરિકામાં એક અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોઇડનાં મોત બાદ ભડકેલ વિરોધ પ્રદર્શન હજુ પણ શાંત થયું નથી અને અમેરિકન પોલીસની વધુ એક ક્રૂરતા સામે આવી છે. ન્યુ યૉર્ક પોલીસે હથિયાર વગરના એક ૭૫ વર્ષના વૃદ્ધ પ્રદર્શનકારીને એવો ધક્કો માર્યો કે જમીન પર પડી જતાં પ્રદર્શનકારીનું માથું ફાટી ગયું અને તેઓ બેભાન થઈ ગયા હતા. પ્રદર્શનકારીને લોહી નીકળતું જોયા બાદ પણ પોલીસકર્મી તેની મદદ માટે થોભતા નથી. જ્યોર્જ ફ્લોઇડ નામના એક અશ્વેત નાગરિકનાં મોત બાદ અમેરિકાનાં કેટલાંય શહેરોમાં હિંસક પ્રદર્શન ચાલુ છે. આ બધાની વચ્ચે ગુરુવારે વૉશિંગ્ટનના લિંકન મેમોરિયલની બહાર પ્રદર્શન કરી રહેલા લોકોનો ગુસ્સો અચાનક ભડકી ઊઠ્યો અને તેમણે પોલીસવાળાઓ પર ખાલી બોટલોથી હુમલો કર્યો. દેશભરમાં પ્રદર્શનોની વચ્ચે ૧૦,૦૦૦થી વધુ લોકોની ધરપકડ કરાઈ છે. તો આ દરમ્યાન ૧૨થી વધુ લોકોનાં મોત થયાં છે. કેલિફોર્નિયામાં પ્રદર્શન શાંતિપૂર્ણ રહ્યું હતું.

પ્રદર્શનકારીઓની સામે પોલીસ તરફથી રબર અને પ્લાસ્ટિક બુલેટ પણ છોડવામાં આવી રહ્યા છે. પ્રદર્શન દરમ્યાન કેટલાક લોકો આ બુલેટનો શિકાર બન્યા છે. પોલીસ ભીડ પર ફ્લેશબેંગ્સના ગ્રેનેડ પણ છોડી રહી છે.

chicago international news Crime News