18 February, 2026 11:46 AM IST | Pakistan | Gujarati Mid-day Correspondent
પત્ર
પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટન ઇમરાન ખાનના ખરાબ સ્વાસ્થ્ય પર ચિંતા વ્યક્ત કરીને ક્રિકેટજગતના ૧૪ જેટલા ભૂતપૂર્વ દિગ્ગજોએ પાકિસ્તાન સરકારને પત્ર લખીને તેમને જેલમાં વધુ સારી સુવિધા પૂરી પાડવાની અપીલ કરી છે. ઇમરાન ખાનના સ્વાસ્થ્ય વિશે મીડિયામાં આવેલા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે જેલમાં તેમની દૃષ્ટિ સતત બગડતી રહી છે અને તેમણે ૮૫ ટકા વિઝન ગુમાવી દીધું છે.
૧૭ ફેબ્રુઆરીએ રજૂ કરાયેલા આ પત્રમાં ભારતના સુનીલ ગાવસકર અને કપિલ દેવ સહિત વિશ્વભરના ૧૫ ભૂતપૂર્વ કૅપ્ટનોએ હસ્તાક્ષર કર્યા છે અને પાકિસ્તાનના આ ભૂતપૂર્વ વડા પ્રધાન અને વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન ઇમરાન ખાનને જેલમાં ન્યાયી સારવાર આપવાની માગણી કરી છે. આ પત્ર પર હસ્તાક્ષર કરનારા અન્ય દિગ્ગજ ક્રિકેટરોમાં માઇકલ ઍથરટન, ઍલન બૉર્ડર, ગ્રૅગ ચૅપલ, ઇયાન ચૅપલ, બેલિન્ડા ક્લાર્ક, ડેવિડ ગોવર, નાસિર હુસેન, ક્લાઇવ લૉઇડ, સ્ટીવ વૉ અને જૉન રાઇટનો સમાવેશ છે. આ બધા કૅપ્ટનોએ પાકિસ્તાન સરકારને અપીલ કરી હતી અને તેમને ઇમરાન ખાનના ક્રિકેટ-યોગદાનની યાદ અપાવી હતી.
દિગ્ગજ ક્રિકેટરોએ પત્રમાં લખ્યું છે...
‘અમે, અમારી નૅશનલ ક્રિકેટ ટીમોના ભૂતપૂર્વ કૅપ્ટન પાકિસ્તાનના પ્રખ્યાત ક્રિકેટર અને વિશ્વક્રિકેટના દિગ્ગજ ઇમરાન ખાન સાથે થતા કથિત વર્તન અને જેલની સ્થિતિ વિશે ઊંડી ચિંતા સાથે લખી રહ્યા છીએ. રમતમાં ઇમરાન ખાનનું યોગદાન સાર્વત્રિક રીતે માન્ય છે. કૅપ્ટન તરીકે તેમણે ૧૯૯૨ના ક્રિકેટ વર્લ્ડ કપમાં પાકિસ્તાનને ઐતિહાસિક વિજય અપાવ્યો હતો. આ વિજય કૌશલ્ય, હિંમત, લીડરશિપ અને સ્પોર્ટ્સમૅનશિપ પર આધારિત હતો, જે સરહદો પાર કરીને અનેક પેઢીઓને પ્રેરણા આપે છે.
અમારામાંથી ઘણા લોકો તેમની સામે રમ્યા અને તેમની સાથે મેદાન શૅર કર્યું હતું. અમે તેમની ઑલરાઉન્ડ ક્ષમતા અને સ્પર્ધાત્મક ભાવનાને આદર્શ માનીને મોટા થયા છીએ. તે રમતના અત્યાર સુધીના શ્રેષ્ઠ ઑલરાઉન્ડરો અને કૅપ્ટનોમાંના એક છે જેમણે ખેલાડી, ચાહકો અને ઍડ્મિનિસ્ટ્રેટરો પાસેથી સમાન રૂપથી સન્માન મેળવ્યું છે.
ક્રિકેટ ઉપરાંત ઇમરાન ખાને પાકિસ્તાનના વડા પ્રધાન તરીકે સેવા આપી અને મુશ્કેલ સમયમાં પોતાના દેશનું નેતૃત્વ કર્યું હતું. રાજકીય રીતે તેમણે લોકશાહી રીતે દેશના સર્વોચ્ચ પદ પર ચૂંટાયાનું સન્માન મેળવ્યું છે. તેમના સ્વાસ્થ્ય, ખાસ કરીને અટકાયત દરમ્યાન તેમની બગડતી દૃષ્ટિ અને બગડતી સ્થિતિ વિશેના તાજેતરના અહેવાલોએ અમને ખૂબ ચિંતામાં મૂકી દીધા છે. અમે સાથી-ક્રિકેટરો છીએ જે નિષ્પક્ષ રમત અને આદરનું મૂલ્ય સમજીએ છીએ. અમારું માનવું છે કે ઇમરાન ખાન જેવા કદના માણસ ભૂતપૂર્વ રાષ્ટ્રીય નેતા અને વૈશ્વિક રમતગમતના આઇકન જેટલા જ આદરને પાત્ર છે. અમે આદરપૂર્વક પાકિસ્તાન સરકારને વિનંતી કરીએ છીએ કે ઇમરાન ખાનને આ સન્માન મળે એની ખાતરી કરે.’