કોવિડ વાઇરસ ચામાચીડિયામાંથી પ્રાણીમાં અને પછી માનવીમાં આવ્યો: ડબ્લ્યુએચઓ

30 March, 2021 01:15 PM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના અધિકારીએ ગત સપ્તાહે જણાવ્યું હતું કે તેઓ આગામી થોડાં સપ્તાહમાં અહેવાલ પ્રસિદ્ધ કરે તેવી અપેક્ષા છે

પ્રતીકાત્મક તસવીર

કોવિડ-19ના ઉદ્ભવ પરના વિશ્વ આરોગ્ય સંગઠન (હૂ) અને ચીનના સંયુક્ત અભ્યાસ અનુસાર ચામાચીડિયામાંથી કોઈક પ્રાણીમાં અને એ પ્રાણીમાંથી માનવીમાં આ વાઇરસ પ્રવેશ્યો હોવાની પ્રબળ શક્યતા છે અને લૅબોરેટરીમાંથી વાઇરસ પ્રસર્યો હોવાની શક્યતા નહીંવત્ છે.

આ તારણો મુખ્યત્ત્વે અપેક્ષા પ્રમાણે હતાં અને ઘણા પ્રશ્નો વણઉકલ્યા રહી ગયા છે, પણ અહેવાલમાં ટીમનાં તારણો પાછળના તર્ક અંગે વિસ્તૃત વિગતો પૂરી પાડવામાં આવી હતી.

રિપોર્ટને પ્રગટ કરવામાં વારંવાર વિલંબ કરવામાં આવ્યો હતો, જેને પગલે ચીન તેના પર મહામારી પ્રસરાવવાનો આક્ષેપ ટાળવા માટે તારણો છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે કે કેમ તે અંગે સવાલો ઊઠ્યા હતા.

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના અધિકારીએ ગત સપ્તાહે જણાવ્યું હતું કે તેઓ આગામી થોડાં સપ્તાહમાં અહેવાલ પ્રસિદ્ધ કરે તેવી અપેક્ષા છે. કોરોના વાઇરસના ઉદ્ભવ પાછળની શક્યતા અંગે સંશોધકોએ ચાર સંભવિતતાઓ સૂચિબદ્ધ કરી હતી. તેમાં સૌથી ટોચ પરની સ્થિતિ અન્ય પ્રાણી થકી પ્રસાર થયો હોવાની છે, જે સૌથી પ્રબળ શક્યતા જણાય છે.

coronavirus covid19 international news