વુહાનમાં કોવિડનું કમબૅક

04 August, 2021 08:54 AM IST  |  Wuhan | Gujarati Mid-day Correspondent

એક વર્ષે કોરોનાનો નવો કેસ મળતાં તમામ નાગરિકોની કોવિડ-ટેસ્ટનો સરકારનો આદેશ

વુહાનમાં ગઈ કાલે નાગરિકોની ન્યુક્લેઇક એસિડ ટેસ્ટની ઝુંબેશને ઝડપી અને વ્યાપક બનાવવામાં આવી હતી. થોડા જ દિવસમાં શહેરના તમામ ૧.૧૦ કરોડ લોકોની આવી ટેસ્ટ કરાવવાની સરકારની યોજના છે (તસવીરઃ એ.એફ.પી.)

વર્ષ ૨૦૧૯ના અંત ભાગમાં ચીનના વુહાન શહેરમાં રહસ્યમય સંજોગોમાં ઘાતક કોરોના વાઇરસનો પહેલો કેસ નોંધાયો ત્યાર બાદ આખા વિશ્વમાં હાહાકાર મચી ગયો એ પછી હવે એ જ વુહાનમાં એક વર્ષ સુધી કોવિડનો એકેય કેસ ન નોંધાયા પછી હવે ગઈ કાલે મળેલા અહેવાલ મુજબ આ જીવલેણ વિષાણુનો ફરીવાર એક કેસ મળતાં સરકારે આખા શહેરના તમામ નાગરિકોની કોવિડ-ટેસ્ટ (ન્યુક્લેઇક એસિડ ટેસ્ટ) કરાવવાનો આદેશ બહાર પાડ્યો છે.વુહાન શહેરની વસતી ૧.૧૦ કરોડની છે.

વિશ્વભરમાં બદનામ થઈ ચૂકેલા ચીનની મધ્યમાં આવેલા વુહાન શહેરમાં સાત પરપ્રાંતીય મજૂરોના તેમ જ બીજા કેટલાક સ્થાનિક લોકોના કોરોના સંક્રમણના કિસ્સા બહાર આવ્યા છે જેને પગલે તંત્ર સફાળું જાગી ગયું હોવાનું કેટલાક અહેવાલોમાં જણાવાયું હતું.

એક વર્ષ પહેલાં ચીને જાહેરાત કરી હતી કે એણે કોરોના વાઇરસ પર સંપૂર્ણપણે અંકુશ પ્રાપ્ત કરી લીધો છે.

હવે સંક્રમણના નવા કેસ બહાર આવતાં ચીને વુહાનમાં બધાને પોતાના ઘરમાં બંધ રહેવાનો આદેશ આપ્યો છે, સ્થાનિક વાહનવ્યવહાર સદંતર બંધ કરાયો છે અને સામૂહિક ટેસ્ટિંગ માટેની ઝુંબેશ શરૂ કરી છે.

ચીનમાં (આખા દેશમાં) રવિવારે કોરોનાના નવા ૯૮ અને સોમવારે નવા ૯૦ કેસ નોંધાયા હતા.

ડેલ્ટા વેરિઅન્ટથી ફફડી ઊઠ્યું ચીન : લોકોને કહ્યું, ઘરની બહાર ના નીકળતા

ચીનમાં વુહાન ઉપરાંત અન્ય ભાગોમાં પણ કોરોનાના કેસ જોવા મળતા લોકોને ઘરમાં જ રહેવા અને પ્રવાસ ના કરવા કહેવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જ નાનજિંગ અૅરપોર્ટના સફાઈ કામદારોમાં નવા વેરિઅન્ટનો ચેપ જોવા મળ્યો હતો અને હવે આખા ચીનમાં આ પ્રકારના કેસ જોવા મળી રહ્યા છે.

બીજિંગ સહિતનાં શહેરોમાં દરદીના સંપર્કમાં આવેલા લોકોને ક્વૉરન્ટીન કરવામાં આવી રહ્યા છે. એક ઘરમાંથી માત્ર એક જ વ્યક્તિને માટે બહાર નીકળવાની છૂટ છે.

coronavirus covid19 china wuhan