Corona Variants: હવે અમેરિકામાં કોરોનાના આ નવા વેરિઅન્ટે માથું ઊંચક્યું!

03 October, 2025 11:11 AM IST  |  Washington | Gujarati Mid-day Online Correspondent

Corona Variants: આ વેરિઅન્ટે પહેલાં સાઉથ-ઈસ્ટ એશિયામાં મોં દેખાડ્યું હતું અને હવે તે અમેરિકામાં ઝડપી ગતિએ પ્રસરી રહ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

કોરોનાએ ફરી માથું ઊંચક્યું હોય તેવું જણાઈ રહ્યું છે. વિશ્વને ભરડામાં લેનાર કોરોના વાયરસ હવે નવા રૂપે ફેલાઈ રહ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. લેટેસ્ટ રિપોર્ટ સૂચવે છે કે અમેરિકામાં કોરોનાના નવા વેરિઅન્ટે (Corona Variants) માથું ઊંચક્યું છે. જેનું નામ છે XFG. આ વેરિઅન્ટે પહેલાં સાઉથ-ઈસ્ટ એશિયામાં મોં દેખાડ્યું હતું અને હવે તે અમેરિકામાં ઝડપી ગતિએ પ્રસરી રહ્યો છે.

હાલમાં અમેરિકામાં ફેલાઈ રહેલ કોરોનાના XFG વેરિઅન્ટને (Corona Variants) `સ્ટ્રેટસ` તરીકે ઓળખવામાં આવી રહ્યો છે. આ પ્રસરતાં જ ફરી એકવાર લોકોની ચિંતા વધી ગઈ છે અને ગભરાટ પણ ફેલાઈ રહ્યો છે. આ જ વર્ષની શરૂઆતમાં આ વેરિઅન્ટ સૌપ્રથમ દક્ષિણ-પૂર્વ એશિયામાં જોવા મળ્યો હતો જે ત્યારબાદ ઘણા દેશોમાં ફેલાયો.

"યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) દ્વારા તાજેતરમાં કોવિડના રોગચાળા અંગે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું જેમાં ૨૦મી સપ્ટેમ્બર સુધીના કોરોનાને તો મીડીયમ લેવલ પર હોવાનું જણાઈ આવ્યું હતું. જે આ નવા સ્ટ્રેટસ વેરિઅન્ટની વાત કરી રહ્યા છીએ તે સૌપ્રથમ જાન્યુઆરી ૨૦૨૫માં દક્ષિણ-પૂર્વ એશિયામાં જોવા મળેલ અને હવે તે અમેરિકામાં વ્યાપક ગતિએ પ્રસરી રહ્યો છે. જૂન સુધીમાં તે કુલ ૪૩ દેશોમાં પહોંચી ગયો હતો, ત્યારબાદ વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબ્લ્યુએચઓ)એ તેને `મોનિટરેબલ વેરિઅન્ટ` તરીકેનું લેબલ પણ આપ્યું હતું.

આ સાથે જ એક અન્ય વેરિઅન્ટ (Corona Variants)ની પણ ચર્ચા ચાલી રહી છે. તે છે Nimbus (NB.1.8.1). સૌ પ્રથમ આ વર્ષની શરૂઆતમાં આ વેરિઅન્ટ ચીનમાં જોવા મળ્યો હતો. ત્યારબાદ ઝડપથી તે આખા વર્લ્ડમાં ફેલાયો હતો. અહેવાલો સૂચવી રહ્યા છે કે આ બંને વેરિઅન્ટમાં ચેપ ઝડપથી ફેલાવાના લક્ષણો દેખાઈ રહ્યા છે. એમાંથી નિમ્બસ વેરિઅન્ટ માનવ ACE2 રીસેપ્ટર્સને વધારે અસર કરે છે અને આ વેરિઅન્ટને અગાઉ ફેલાયેલા ઓમીક્રોન સબવેરીઅન્ટ્સ કરતા પણ અઢીગણો વધુ ચેપી માનવામાં આવી રહ્યો છે. તો બીજો વેરિઅન્ટ સ્ટ્રેટસ તે પણ ખૂબ ઝડપથી ફેલાય છે કારણ કે તે વ્યક્તિની રોગપ્રતિકારક પ્રતિક્રિયાને નિશાનો બનાવે છે. જો કે તેની કોષ પ્રવેશ ક્ષમતા નિમ્બસ જેટલી ઊંચી નથી.

જોકે, ભારત સદનસીબે આ વેરિઅન્ટ (Corona Variants)થી બચેલું છે. ભારતમાં કેટલાક હળવા કેસ નોંધાયા છે પણ આ વેરિઅન્ટ પર કડક નજર રખાઈ રહી છે. આ ક્ષેત્રના નિષ્ણાતો જણાવે છે કે કે આ નવા એ જૂના વેરિઅન્ટ કરતાં વધુ જોખમી નથી. ભારતમાં ઉપલબ્ધ વેક્સિન અને બૂસ્ટર ડોઝ આ વેરિઅન્ટ સામે રક્ષણ પૂરું પાડવા માટે સક્ષમ છે. એટલું છે કે જો ગંભીર કેસ હોય તો વ્યક્તિએ હોસ્પિટલમાં દાખલ થવાનું આવી શકે.

આ નવા વેરિઅન્ટની અસરોને લઈને ડોક્ટર્સ લોકોને ભીડભાડવાળી જગ્યાઓએ જવાનું ટાળવા તેમજ સ્વચ્છતાનું ધ્યાન રાખવા અને માસ્કનો ઉપયોગ ફરીથી શરુ કરવાનું પણ સૂચન કરી રહ્યા છે.

international news world news coronavirus covid19 covid vaccine healthy living ministry of health and family welfare world health organization united states of america