ચીનના રાષ્ટ્રપતિનું લશ્કરને ફરમાન વૉર માટે તૈયાર રહો

10 February, 2021 11:10 AM IST  |  Beijing

ચીનના રાષ્ટ્રપતિનું લશ્કરને ફરમાન વૉર માટે તૈયાર રહો

ચીનના પ્રમુખ શી જિનપિંગ

ભારત અને ચીન વચ્ચે પૂર્વીય લદ્દાખમાં લશ્કરી સંઘર્ષ ઉકેલવા માટેની નવ વાટાઘાટો સરહદ પરની તંગદિલી ઘટાડવામાં નિષ્ફળ જતાં માહિતી પર નિયંત્રણ એ આધુનિક યુદ્ધમાં જીત મેળવવાની ચાવી છે, એના પર ભાર મૂકતાં ચીનના પ્રમુખ શી જિનપિંગે પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ને ‘યુદ્ધ માટે સજ્જ’ રહેવા જણાવ્યું હતું. બીજી તરફ ભારતની સરહદે ચીનનું લશ્કર શસ્ત્રભંડોળ પણ ભેગું કરી રહ્યું છે.

ચાઇનીઝ નવા વર્ષ અગાઉ શી જિનપિંગે તાજેતરમાં પીએલએ ઍરફોર્સ યુનિટની મુલાકાત દરમ્યાન વક્તવ્ય આપ્યું હતું. ચાઇનીઝ મીડિયાએ આ મુલાકાત દરમિયાન જિનપિંગને એમ કહેતા ટાંક્યા હતા કે વસંત મહોત્સવ દરમિયાન સમગ્ર લશ્કર રાષ્ટ્રીય સુરક્ષા અને લોકોના સુખ-શાંતિના રક્ષણ માટે યુદ્ધ માટે સુસજ્જ રહેવું જોઈએ.

મે, ૨૦૨૦માં ભારત સાથેની સરહદે લશ્કરી સંઘર્ષ સર્જાયો એના પગલે બન્ને દેશો વચ્ચે સર્જાયેલી તંગદિલીની પૃષ્ઠભૂમિમાં આ નિવેદન મહત્ત્વનું બની રહે છે. હિમાલયના ડિસેમ્બર અને જાન્યુઆરીના હાડ થીજવી દેનારા આકરા શિયાળામાં હજારો સૈનિકોને લાઇન ઑફ ઍક્ચ્યુઅલ કન્ટ્રોલ (એલએસી) પાસે ખડકી દેવાયા છે.

આ તરફ ભારતની બાહ્ય બાબતોના પ્રધાન એસ. જયશંકરે ગયા સપ્તાહે જણાવ્યું હતું કે લદ્દાખ પરનું ઘર્ષણ એક જટિલ મુદ્દો છે અને કટોકટી ઉકેલવા માટે લશ્કરી સ્તરની વાટાઘાટો યોજાય એ જરૂરી છે.

india china xi jinping international news