છ મહિનાના વિક્રમી અવકાશી સ્ટે માટે રવાના થયા ચીનના અંતરીક્ષયાત્રીઓ

17 October, 2021 11:18 AM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

ચીન દ્વારા અંતરીક્ષમાં તેનું પોતાનું સ્પેસ સ્ટેશન તિયાંગોન્ગ તૈયાર કરવામાં આવી રહ્યું છે

પ્રતીકાત્મક તસવીર

ચીનના પોતાના સ્પેસ સ્ટેશન બનાવવાની કામગીરી માટે ત્રણ ચીની અવકાશયાત્રીઓ અંતરીક્ષમાં પ્રવેશી ચૂક્યા છે. તેઓ છ મહિનાના વિક્રમી રહેઠાણ માટે તૈયાર થઈ રહેલા ચીની સ્પેસ સ્ટેશનમાં છે. ચીન દ્વારા અંતરીક્ષમાં તેનું પોતાનું સ્પેસ સ્ટેશન તિયાંગોન્ગ તૈયાર કરવામાં આવી રહ્યું છે. તેની કામગીરી માટે મોકલવામાં આવેલા અંતરીક્ષયાત્રીઓમાં ૪૧ વર્ષના વાંગ યેપિંગ ચીનનાં પહેલાં મહિલા અવકાશયાત્રી બન્યા છે. વાંગ સાથે ૫૫ વર્ષના ઝાઈ ઝીગેન્ગ અને ૪૧ વર્ષના યે ગુઆન્ગફૂ પણ આ સફરમાં સામેલ છે.

ચીનની સ્પેસ એજન્સીએ એક અૅરક્રાફ્ટ તાત્કાલિક વપરાશ માટે તૈયાર રાખ્યું છે, જેને તિયાંગોન્ગમાં કોઈ ઇમર્જન્સી સર્જાય તો તે માટે મોકલવામાં આવશે. અંતરીક્ષયાત્રીઓ એમના આ છ મહિનાના નિવાસ દરમ્યાન મેડિસિન અને ફિઝિક્સને લગતા સેંકડો પ્રયોગો કરશે. ઉપરાંત બેથી ત્રણ સ્પેસવૉક પણ કરશે અને સ્પેસ સ્ટેશનના બાંધકામને વહેલીતકે પૂરું કરવા માટે રોબોટિક્સ આર્મ્સ(હાથ) પણ ઇન્સ્ટોલ કરશે. તેમણે કહ્યું હતું કે અંતરીક્ષમાં સળંગ છ મહિના સુધી ગુરુત્વાકર્ષણમાં રહેવું એ અંતરીક્ષયાત્રીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની ભારેમાં ભારે કસોટી છે. આ ઉપરાંત આ પ્રવાસમાં અંતરીક્ષમાં સંસાધનોની વિશ્વસનિયતાની પણ ચકાસણી કરવામાં આવશે.

international news china beijing