૭૫ ટકા વસ્તી વૅક્સિનેટેડ છતાં કોરોના લૉકડાઉન

27 October, 2021 09:07 AM IST  |  Hong Kong | Gujarati Mid-day Correspondent

આવા હાલ છે ચીનના લાન્ઝાઉ શહેરના : અસરગ્રસ્ત વિસ્તારોમાંથી આવતા લોકો માટે ૧૪ દિવસ ક્વૉરન્ટીન ફરજિયાત : લોકોને જરૂર વગર ઘરની બહાર ન નીકળવા માટે કડક સૂચના અપાઈ છે

ચીનના ગાન્સુ પ્રોવિન્સના લાન્ઝાઉ શહેરની બહાર તેમ જ અંદર આવતા લોકોના કોરોના ટેસ્ટની ચકાસણી કરવા માટે સુસજ્જ પોલીસ કર્મચારીઓ (તસવીર : એ.એફ.પી.)

ચીનમાં કેટલાક વિસ્તારોમાં કોરોનાએ ફરી માથું ઊચકતાં પ્રશાસને લૉકડાઉન જાહેર કર્યું છે. છેલ્લા સાત દિવસમાં અસરગ્રસ્ત ૧૧ પ્રાંતમાં ૧૦૦થી વધુ નવા કોરોના પૉઝિટિવ કેસ સામે આવ્યા છે.

ચીનના સ્વાસ્થ્ય કમિશનના પ્રવક્તાએ કહ્યું હતું કે દેશના અમુક વિસ્તારોમાં નવેસરથી સંક્રમણ જોવા મળી રહ્યું છે અને તે ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યું છે. ચીનમાં ૭૫ ટકાથી વધારે લોકવસ્તીને બન્ને ડોઝ આપી દેવામાં આવ્યા છે. શાંઘાઈ ફરીને આવેલા સિનિયર સિટિઝનના ગ્રુપથી નવા સંક્રમણની શરૂઆત થઈ હોવાનું કહેવાય છે, જેમાં ૧૩૩ જેટલા સંક્રમણ સામે આવ્યા છે. ૧૬ ઑક્ટોબરથી ફરી કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. ચીનમાં ફરી ત્રીજા ભાગના વિસ્તાર અને પ્રાંતોમાં કેસનો વધારો જોવા મળી રહ્યો છે. આ વિસ્તારોમાં સરકારે પ્રવાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. અસરગ્રસ્ત વિસ્તારોમાંથી આવતા લોકો માટે ૧૪ દિવસનું ક્વૉરન્ટીન જાહેર કર્યું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં મોંગોલિયા, ગાન્ઝુ, ઝિયાનઝુ અને બીજિંગનો પણ સમાવેશ થાય છે.

ગાન્સુ પ્રોવિન્સના લાન્ઝાઉ શહેરમાં નવા ૨૯ કેસો નોંધાયા બાદ ચીનની સરકારે ૪૦ લાખની વસ્તી ધરાવતા આ શહેરમાં કડક લોકડાઉન લગાવી દિધું હતું. લોકોને જરૂર વગર બહાર ન નિકળવા માટે સૂચનાઓ અપાઈ છે. આવતા વર્ષે ફેબ્રુઆરીમાં ચીનમાં ઑલિમ્પિક્સ યોજાવાની છે, તેથી ચીની વહીવટી તંત્ર વધતા સંક્રમણને કારણે ચિંતાતુર બન્યું છે. આ કારણે કોવિડ નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકો સામે ચીને કડક હાથે કામ લેવાનું પણ શરૂ કર્યું છે.

coronavirus covid19 lockdown international news hong kong china