ચીને ફરી દેખાડ્યો અસલી રંગ, આતંકવાદી પર પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવને અટકાવ્યો

12 August, 2022 08:32 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અન્ય તમામ ૧૪ દેશો પાકિસ્તાનસ્થિત જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી અબ્દુલ રઉફ અઝહર પર પ્રતિબંધ લાદવા માટે સંમત થયા હતા ત્યારે એકમાત્ર ચીને આતંકવાદીનો બચાવ કરતાં પ્રસ્તાવને અટકાવી દીધો છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અન્ય તમામ ૧૪ દેશો પાકિસ્તાનસ્થિત જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી અબ્દુલ રઉફ અઝહર પર પ્રતિબંધ લાદવા માટે સંમત થયા હતા ત્યારે એકમાત્ર ચીને આતંકવાદીનો બચાવ કરતાં પ્રસ્તાવને અટકાવી દીધો છે. ભારત અને અમેરિકાના અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરી એની વૈશ્વિક મુસાફરી પર પ્રતિબંધ અને તેની તમામ સંપત્તિઓ ફ્રીઝ કરવામાં આવે એ પ્રસ્તાવ પર સુરક્ષા પરિષદના તમામ સભ્યો સંમત થાય એ જરૂરી હતું, પરંતુ કાયમી વીટો ધરાવનાર અને પાકિસ્તાનના સાથી ચીને એના પર રોક લગાવીને આ પ્રસ્તાવમાં વિલંબ કર્યો છે. ચીને એવી દલીલ કરી હતી કે આ કેસનો અભ્યાસ કરવા વધુ સમયની જરૂર છે.

અઝહર પર અમેરિકાએ ૨૦૧૦થી પ્રતિબંધ લગાવ્યો છે. તેના પર અફઘાનિસ્તાનના કંદહારમાં ૧૯૯૯માં ઇન્ડિયન ઍરલાઇન્સના વિમાનનું અપહરણ, ૨૦૦૧માં ભારતીય સંસદ પરનો હુમલો અને ૨૦૧૬માં પઠાણકોટમાં ભારતીય વાયુસેનાના બેઝ પરના હુમલા સહિત અનેક હુમલાઓના આયોજન અને અમલમાં સામેલ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. મંગળવારે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કમ્બોજે ચીનના સંદર્ભમાં કહ્યું હતું કે કોઈ પણ વાજબી કારણ વગર આતંકવાદીઓ પર પ્રતિંબધ મૂકવાના પ્રસ્તાવને અટકાવવાની પ્રથાનો અંત લાવવો જોઈએ. 

international news china india united states of america pakistan