29 November, 2026 08:23 AM IST | કૅનેડા | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
વિશ્વની સૌથી મોટી વસ્તી ધરાવતા ભારતના નાગરિકોમાં વિદેશમાં સ્થાયી થવાનું વલણ ઝડપથી વધી રહ્યું છે. ઑર્ગેનાઇઝેશન ફૉર ઇકૉનૉમિક કો-ઑપરેશન ઍન્ડ ડેવલપમેન્ટ (OECD)ના ‘ઇન્ટરનૅશનલ માઇગ્રેશન આઉટલુક ૨૦૨૬’ અહેવાલ મુજબ ૨૦૨૦થી ૨૦૨૪ દરમ્યાન અંદાજે ૯.૨૫ લાખ ભારતીયોએ OECDના સભ્ય દેશોની નાગરિકતા મેળવી છે. અગાઉના ૨૦૧૫થી ૨૦૧૯ના સમયગાળામાં આ સંખ્યા ૬,૫૪,૮૨૧ હતી, જેની સરખામણીએ એમાં ૪૦ ટકાનો વધારો થયો છે.
અહેવાલ મુજબ OECD દેશોની નાગરિકતા મેળવવામાં ભારતીયો પ્રથમ સ્થાને રહ્યા છે; જેમણે મેક્સિકો (૫,૯૦,૨૪૮) અને સિરિયા (૫,૮૮,૨૧૯)ને પાછળ છોડી દીધાં છે. આ સમયગાળામાં સિરિયાના નાગરિકોની સંખ્યામાં અંદાજે પાંચગણો વધારો થયો હતો, જ્યારે ચીનના નાગરિકોની સંખ્યામાં ૧૧.૯ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
અમેરિકા, બ્રિટન, કૅનેડા, ઑસ્ટ્રેલિયા, જપાન અને યુરોપના દેશો સહિત ૩૮ સભ્યો ધરાવતા OECDમાં ભારતીયોને નાગરિકતા આપવામાં કૅનેડા મોખરે રહ્યું હતું. ૨૦૨૦થી ૨૦૨૪ વચ્ચે અંદાજે ૨.૬૧ લાખ ભારતીયો કૅનેડાના નાગરિક બન્યા હતા. વર્ષ ૨૦૨૪માં કુલ ૨,૩૦,૩૩૭ ભારતીયોને OECD દેશોની નાગરિકતા મળી હતી, જે ૨૦૨૩માં ૨,૨૪,૬૩૦ હતી. ૨૦૨૪માં કૅનેડાએ સૌથી વધુ ૮૭,૩૨૦, અમેરિકાએ ૪૮,૮૨૦ અને ઑસ્ટ્રેલિયાએ ૨૮,૯૬૯ ભારતીયોને નાગરિકતા આપી હતી.