કેનેડાએ અમેરિકા સહિત ઘણા દેશોને ભારતની નિંદા કરવાની માંગ કરી, રિપોર્ટમાં ખુલાસો

20 September, 2023 03:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારત અને કેનેડા વચ્ચે તિરાડ વધી રહી છે. એક અહેવાલ મુજબ પીએમ જસ્ટિન ટ્રુડોએ ભારત પર આરોપો લગાવ્યાના થોડા અઠવાડિયા પહેલા કેનેડિયન અધિકારીઓએ યુએસ સહિત ઘણા સહયોગીઓને નિજ્જરની હત્યાની જાહેરમાં નિંદા કરવા કહ્યું હતું.

કેનેડા વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો

હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે તિરાડ વધી રહી છે. આ દરમિયાન એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. અહેવાલ છે કે પીએમ જસ્ટિન ટ્રુડોએ ભારત પર આરોપો લગાવ્યાના થોડા અઠવાડિયા પહેલા કેનેડિયન અધિકારીઓએ યુએસ સહિત ઘણા સહયોગીઓને નિજ્જરની હત્યાની જાહેરમાં નિંદા કરવા કહ્યું હતું. જો કે, તમામ દેશોએ તેનો ઇનકાર કર્યો હતો.

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ બાઈડન વહીવટીતંત્ર અને તેના સહયોગીઓ સામેના રાજદ્વારી પડકારોને હાઇલાઇટ કરે છે કારણ કે તેઓ ભારત સાથે સંબંધોને આગળ વધારવાનો પ્રયાસ કરે છે.

ઉલ્લેખનીય છે કે કેનેડા અને ભારત વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપની રમત શરૂ થઈ ગઈ છે. કેનેડાના પીએમ ટ્રુડોએ આરોપ લગાવ્યો છે કે હરદીપ સિંહ નિજ્જરની હત્યા પાછળ ભારત સરકારનું ષડયંત્ર હોઈ શકે છે. ભારત સરકારે પણ આનો જવાબ આપ્યો છે. તેમણે તમામ નિવેદનોને વાહિયાત ગણાવ્યા છે.

ગત વર્ષે પ્રત્યાર્પણની માંગ

અમેરિકન મીડિયાના અહેવાલ મુજબ સપ્ટેમ્બરમાં નવી દિલ્હીમાં યોજાનારી G-20 સમિટના થોડા અઠવાડિયા પહેલા પાંચ દેશોના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે ચર્ચા થઈ હતી. જો કે, આ ચર્ચા વિશે કોઈ જાહેર ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. તે જ સમયે, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નિજ્જરને 2020 માં ભારતની સુરક્ષા એજન્સીઓ દ્વારા આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો અને તેના પર પંજાબમાં હુમલાઓને સમર્થન આપવાનો આરોપ હતો. ભારતે 2022માં તેના પ્રત્યાર્પણની માંગ કરી હતી.

તણાવ વધી રહ્યો છે

વધુમાં જણાવવામાં આવ્યું હતું કે ભારત કેનેડા, ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને યુનાઇટેડ સ્ટેટ્સ જેવા દેશો પર દબાણ કરી રહ્યું છે, જેમાં નોંધપાત્ર શીખ સમુદાયો છે, તેઓ ખાલિસ્તાન ચળવળ પર કાર્યવાહી કરે. લંડન અને કેનેડામાં ખાલિસ્તાની તરફી દેખાવો ચાલુ છે. જેના કારણે તણાવ વધી રહ્યો છે. આ રાજદ્વારી વિવાદ એવા સમયે સામે આવ્યો છે જ્યારે પશ્ચિમી દેશો વડાપ્રધાન મોદીની નીતિઓની ટીકા કરવાથી બચીને ભારત સાથે તેમની ભૌગોલિક રાજનીતિક અને વેપારી ભાગીદારીને મજબૂત કરવા માંગે છે.

પશ્ચિમી સરકારો સામે મૂંઝવણ

તે જ સમયે, દક્ષિણ એશિયાના વિશ્લેષક માઈકલ કુગેલમેને પશ્ચિમી સરકારો સામેની મૂંઝવણ તરફ ધ્યાન દોર્યું. તેમણે કહ્યું કે પશ્ચિમી સરકારોએ કેનેડાને સાથી તરીકે સ્વીકાર્યું, પરંતુ ભારત સાથેના તેના સંબંધોને મુખ્ય વ્યૂહાત્મક ભાગીદાર તરીકે પણ મહત્ત્વ આપ્યું.

કેનેડાના વિદેશ પ્રધાન મેલાની જોલીએ જણાવ્યું હતું કે ટ્રુડોએ રાષ્ટ્રપતિ બાઈડેન અને બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક સાથે આક્ષેપો ઉઠાવ્યા છે. તેના જવાબમાં, યુનાઇટેડ સ્ટેટ્સે ચિંતા વ્યક્ત કરી અને કેનેડાની તપાસ અને ગુનેગારોને ન્યાયના ઠેકાણે લાવવાના મહત્વ પર ભાર મૂક્યો. ઓસ્ટ્રેલિયાએ પણ આ મુદ્દો ભારત સમક્ષ ઉઠાવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં આ વિષય પર ચર્ચા થવાની અપેક્ષા છે.

world news canada joe biden narendra modi international news