ચીની રૉકેટનો કાટમાળ હિન્દ મહાસાગરમાં પડ્યો

10 May, 2021 12:42 PM IST  |  China | Agency

ચીનના સૌથી મોટા અને નિયંત્રણ બહાર થયેલા રૉકેટના અવશેષો ફરી એક વાર પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યા છે તથા એના ભંગારનો મોટા ભાગનો હિસ્સો મૉલદીવ્ઝ નજીક હિન્દ મહાસાગરમાં પડ્યો

ફાઈલ તસવીર- મિડ-ડે

ચીનના સૌથી મોટા અને નિયંત્રણ બહાર થયેલા રૉકેટના અવશેષો ફરી એક વાર પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યા છે તથા એના ભંગારનો મોટા ભાગનો હિસ્સો મૉલદીવ્ઝ નજીક હિન્દ મહાસાગરમાં પડ્યો હોવાનું જણાવતાં દેશની સર્વોચ્ચ અંતરીક્ષ એજન્સીએ કહ્યું હતું કે કાબૂ બહારના આ રૉકેટનો ભંગાર ક્યાં પડશે એની અટકળોનો અંત આવ્યો છે. 

ચીનના લૉન્ગ માર્ચ ૫-બી રૉકેટના અવશેષો બીજિંગના સવારે ૧૦.૨૪ વાગ્યાના સમયે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યા હતા તથા ૭૨.૪૭ ડિગ્રી પૂર્વ રેખાંશ અને ૨.૬૫ ડિગ્રી ઉત્તર અક્ષાંશ પરના ખુલ્લા સમુદ્રમાં પડ્યા હોવાનું ચીનની માનવસંચાલિત સ્પેસ એન્જિનિયરિંગ ઑફિસ દ્વારા જણાવાયું હતું. 

અમેરિકા અને યુરોપિયન ટ્રેકિંગ સાઇટ્સ રૉકેટના અનિયંત્રિત સ્ખલન પર ધ્યાન આપી રહ્યા હતા. અમેરિકી સૈન્ય જે ડેટાનો ઉપયોગ કરે છે તે મોનિટરિંગ સેવા સ્પેસ-ટ્રેક દ્વારા પણ ચીનના રૉકેટના પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશની પુષ્ટિ કરાઈ છે.

નાસાએ ચીનની ઝાટકણી કાઢી
ચીનનું રૉકેટ નિયંત્રણ બહાર થયું અને એનો ભંગાર હિન્દ મહાસાગરમાં પડ્યો એ ઘટનાને પગલે અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ ચીનની ઝાટકણી કાઢી છે. નાસાએ જણાવ્યું હતું કે પોતાના અવકાશી કાટમાળનું ધ્યાન રાખવાની બાબતમાં ચીનનું બેજવાબદારીભર્યું ધોરણ અને વલણ રહ્યું છે.

china beijing international news nasa