29 May, 2025 06:53 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)
બલૂચિસ્તાનના માનવાધિકાર કાર્યકર્તા અને પત્રકાર મીર યાર બલોચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક ઓપન લેટર લખ્યો છે. પત્રમાં બલૂચ નેતાએ પાકિસ્તાનની ફોજ અને ISIને સીધી રીતે આતંકવાદી સંગઠનોના જન્મદાતા જણાવ્યા. તેમણે દાવો કર્યો કે ISI દર મહિને એક નવું આતંકવાદી સંગઠન બનાવે છે.
બલુચિસ્તાનના માનવાધિકાર કાર્યકર્તા અને પત્રકાર મીર યાર બલોચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક ખુલ્લો પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે પાકિસ્તાન પર જોરદાર નિશાન સાધ્યું છે. આ પત્રમાં તેમણે ૧૯૯૮માં બલુચિસ્તાનમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા પરમાણુ પરીક્ષણોને નરસંહારની શરૂઆત ગણાવી હતી અને વિશ્વને પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રો જપ્ત કરવાની અપીલ કરી હતી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ અપીલ કરી છે કે ભારતે બલૂચિસ્તાનના સ્વતંત્રતા સંગ્રામમાં ખુલ્લેઆમ સમર્થન આપવું જોઈએ.
મીર યાર બલોચે પત્રની શરૂઆત ૨૮ મે ૧૯૯૮ના રોજ બલુચિસ્તાનના ચગાઈમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા પરમાણુ પરીક્ષણોથી કરી હતી. તેમણે લખ્યું હતું કે પાકિસ્તાની સેનાએ નવાઝ શરીફ સરકારની મિલીભગતથી બલુચિસ્તાનની ભૂમિનો નાશ કર્યો હતો. તેમણે પત્રમાં લખ્યું છે કે આ વિસ્ફોટોને કારણે, ચગાઈ અને રાસ કોહની પહાડીઓમાં હજુ પણ વિસ્ફોટકોની ગંધ આવે છે. તેમણે ઉલ્લેખ કર્યો છે કે આ પરીક્ષણને કારણે ઘણા ખેતરો નાશ પામ્યા, પશુઓ મૃત્યુ પામ્યા, બાળકો અપંગ જન્મ્યા.
“પાકિસ્તાની સેના અને ISI આતંકવાદના મૂળ છે”
પત્રમાં, બલુચિસ્તાનના નેતાએ આતંકવાદી સંગઠનો બનાવવા માટે પાકિસ્તાન સેના અને ISI પર સીધો આરોપ લગાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે ISI દર મહિને એક નવું આતંકવાદી સંગઠન બનાવે છે અને તેનો ઉપયોગ ભારત, અફઘાનિસ્તાન, બલુચિસ્તાન, અમેરિકા અને ઇઝરાયલ સામે પણ કરે છે. બલૂચ નેતાએ કહ્યું છે કે "પાકિસ્તાન આતંકવાદની જનની છે. જ્યાં સુધી તેના મૂળ ઉખેડી ન નાખવામાં આવે ત્યાં સુધી આતંકવાદનો અંત નહીં આવે.
"પાકિસ્તાન બલૂચિસ્તાનની ખનિજ સંપત્તિ લૂંટી રહ્યું છે"
બલૂચ નેતાએ આરોપ લગાવ્યો કે પાકિસ્તાન બલૂચિસ્તાનના સોનું, તાંબુ, ગૅસ, તેલ અને યુરેનિયમ લૂંટીને તેની નબળી અર્થવ્યવસ્થા ચલાવી રહ્યું છે અને આ પૈસાથી આતંકવાદી સંગઠનોને ભંડોળ પૂરું પાડી રહ્યું છે. પત્રમાં ચીનનો પણ ઉલ્લેખ છે, જેમાં તેમણે કહ્યું હતું કે ચીને બલૂચિસ્તાનમાં દરિયાઈ થાણા અને એશિયાનું સૌથી મોટું એરપોર્ટ બનાવ્યું છે. ઉપરાંત, ચીન દરેક સ્તરે પાકિસ્તાનની સેનાને ટેકો આપી રહ્યું છે,
"અમે ભારતને ટેકો આપ્યો હતો, હવે ભારતે પણ અમને ટેકો આપવો જોઈએ"
બલૂચ નેતાએ દાવો કર્યો હતો કે જ્યારે ભારતે ઑપરેશન સિંદૂર શરૂ કર્યું હતું, ત્યારે બલૂચ લોકોએ ખુલ્લેઆમ ભારતને ટેકો આપ્યો હતો. તેમણે પત્રમાં કહ્યું છે કે જો ઓપરેશન સિંદૂર વધુ એક અઠવાડિયા સુધી ચાલુ રહ્યું હોત, તો આજે આપણે એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ભારત અને વિશ્વ સાથે વાત કરી રહ્યા હોત. પત્રના અંતે, તેમણે વડા પ્રધાન મોદીને અપીલ કરી હતી કે ભારતે બલૂચિસ્તાન સાથે સત્તાવાર સંબંધો સ્થાપિત કરવા જોઈએ અને દિલ્હીમાં બેઠક કરવી જોઈએ. બલૂચિસ્તાનનું દૂતાવાસ ખોલવું જોઈએ.