29 May, 2025 10:56 AM IST | Quetta | Gujarati Mid-day Correspondent
મીર યાર બલોચે
બલૂચિસ્તાનના માનવાધિકાર કાર્યકર્તા, પત્રકાર અને બલૂચ દેશભક્ત મીર યાર બલોચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર લખ્યો છે. એમાં તેમણે પાકિસ્તાનની આખી કુંડળીનો પર્દાફાશ કર્યો છે. તેમણે પાકિસ્તાની જેહાદી સેના દ્વારા બલૂચિસ્તાનમાં ચલાવવામાં આવી રહેલી તાનાશાહીનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું છે કે જો ઑપરેશન સિંદૂર વધુ ૭ દિવસ ચાલ્યું હોત તો આજે અમે આઝાદ હોત.
ઑપરેશન સિંદૂરમાં ભારત પાકિસ્તાનમાં વિનાશ મચાવી રહ્યું હતું ત્યારે ભારત સિવાય આખી દુનિયામાં સૌથી વધુ ખુશ બલૂચિસ્તાન હતું. બલૂચિસ્તાનના લોકોએ ઑપરેશન સિંદૂરને સમર્થન આપ્યું હતું. હવે બલૂચિસ્તાનના લોકોને ભારત પાસેથી આઝાદીની ઇચ્છા છે.
મીર યાર બલોચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખેલો ઓપન લેટર ૨૮ મેએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ‘ઍક્સ’ પરની ટ્વીટમાં શૅર કર્યો છે. એમાં તેમણે લખ્યું છે કે...
માનનીય નરેન્દ્ર મોદીજી, આ ખુલ્લો પત્ર તમને બલૂચ રાષ્ટ્ર વતી લખવામાં આવી રહ્યો છે. બરાબર ૨૭ વર્ષ પહેલાં ૨૮ મે ૧૯૯૮ના દિવસે પાકિસ્તાનની જેહાદી સેનાએ અમારા સુંદર બલૂચિસ્તાનની રાસ કોહ પહાડીઓમાં છ પરમાણુ પરીક્ષણો કર્યાં હતાં. પાકિસ્તાની સેનાએ નવાઝ શરીફ સરકાર સાથે મળીને આ પવિત્ર પર્વતોને અમારી ઇચ્છા કે સંમતિ વિના વિનાશક વિસ્ફોટોનું કેન્દ્ર બનાવ્યા હતા. આ પરીક્ષણોએ અમારી ભૂમિને ઝેરી કિરણોત્સર્ગથી ભરી દીધી હતી, જેનાં ખરાબ પરિણામો આજે પણ અમારા લોકો ભોગવી રહ્યા છે. આ વિસ્ફોટોને કારણે ચગાઈ અને રાસ કોહ પહાડીઓમાં ગનપાઉડરની ગંધથી જીવન બરબાદ થઈ ગયું છે. અમારી માતાઓ હજી પણ અસામાન્ય બાળકોને જન્મ આપી રહી છે જેમને શારીરિક અને માનસિક વિકલાંગતા છે. લાખો એકર ખેતીલાયક જમીન ઉજ્જડ બની ગઈ છે. પ્રાણીઓ અને વન્યજીવન માટે ખતરો વધ્યો છે. અમારી કુદરતી સુંદરતાને ઘણું નુકસાન થયું છે. આજે ફ્રી બલૂચિસ્તાન ચળવળ અને બલૂચ લોકો આ પરીક્ષણોનો વિરોધ કરી રહ્યાં છે. અમે આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરીએ છીએ કે પાકિસ્તાનનાં ખતરનાક પરમાણુ શસ્ત્રો જપ્ત કરે જેથી આપણી ભૂમિને વધુ વિનાશથી બચાવી શકાય.
પાકિસ્તાનનો જેહાદી ચહેરો
પાકિસ્તાની સેના અને પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI)ની જેહાદી માનસિકતાએ બલૂચિસ્તાનનાં ખનિજ સંસાધનો જેવાં કે સોનું, ચાંદી, તાંબું, ગૅસ, તેલ, આરસપહાણ અને યુરેનિયમ લૂંટી લીધાં છે. તેઓ એનો ઉપયોગ તેમની નબળી અર્થવ્યવસ્થાને સંચાલિત કરવા અને ભારત અને અફઘાનિસ્તાન વિરુદ્ધ આતંકવાદી સંગઠનોને ભંડોળ પૂરું પાડવા માટે કરે છે. પાકિસ્તાન ઈરાનની પરમાણુ શસ્ત્રની નીતિને ટેકો આપે છે અને એના વડા પ્રધાનની તાજેતરની ઈરાનની મુલાકાતે અમને વધુ ચિંતામાં મૂક્યા છે. જો ઈરાન પણ પરમાણુ શસ્ત્રો મેળવે તો એ વૈશ્વિક શાંતિ માટે મોટો ખતરો હશે.
બલૂચિસ્તાનનું દુઃખ
પાકિસ્તાને ૭૭ વર્ષથી બલૂચિસ્તાનમાં નરસંહાર કર્યો છે. લાખો બલૂચ શહીદ થયા છે અને લગભગ ૫૦,૦૦૦ લોકો ગુપ્ત યાતના-શિબિરોમાં કેદ છે. ૨૦૧૭માં પાકિસ્તાની સેનેટર ફરહતુલ્લાહ બાબરે ખુલાસો કર્યો હતો કે બલૂચિસ્તાનમાં અમેરિકાની ગ્વાન્ટાનામો જેલ જેવી ૪૫ યાતના-શિબિરો છે અને આજે એની સંખ્યા હજારોમાં છે. ચીનની મદદથી પાકિસ્તાને બલૂચિસ્તાનને એક વિશાળ જેલમાં ફેરવી દીધું છે. ગ્વાદર, ઓરમારા અને જીવાનીમાં ચીની નૌકાદળની હાજરી અને ગ્વાદરમાં એશિયાનું સૌથી મોટું ઍરપોર્ટ આ વાતનો પુરાવો છે.
ભારતને અપીલ
માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૬માં ૧૫ ઑગસ્ટે લાલ કિલ્લા પરથી આપેલા ભાષણે ૬ કરોડ બલૂચીઓનાં દિલ જીતી લીધાં હતાં. અમે ઑપરેશન સિંદૂરને ટેકો આપ્યો હતો કારણ કે અમે જાણીએ છીએ કે આતંકવાદના મૂળ સમાન પાકિસ્તાની સેનાને નાબૂદ કર્યા વિના આ સમસ્યાનો ઉકેલ આવશે નહીં. જો ઑપરેશન સિંદૂર વધુ એક અઠવાડિયા સુધી ચાલુ રહ્યું હોત તો આજે બલૂચિસ્તાન ભારત અને વિશ્વસમુદાય સાથે એક સ્વતંત્ર દેશ તરીકે વાત કરી રહ્યું હોત. અમે ઇચ્છીએ છીએ કે ભારત બલૂચિસ્તાનમાં દૂતાવાસ ખોલે અને અમારાં સંયુક્ત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટે વાતચીત સ્થાપિત કરે.
અમે તમારા સમર્થનથી મુક્ત થવા માગીએ છીએ
અમે બલૂચ, પશ્તુન સિંધુદેશ પાકિસ્તાનના અત્યાચારોથી પીડાઈ રહ્યા છીએ. અમે ભારત સાથે મળીને આ આતંકવાદી કેન્દ્રને ખતમ કરવા માગીએ છીએ. જે રીતે તમારી સેનાએ પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો છે એ વાત ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખાશે. અમને આશા છે કે ઑપરેશન સિંદૂર ફરી શરૂ થશે અને બલૂચિસ્તાન, સિંધુદેશ, ગિલગિટ અને કાશ્મીરના લોકો સાથે મળીને અમે સ્વતંત્રતા પ્રાપ્ત કરીશું.