ફ્રાન્સમાં વૅક્સિન વિરોધી લોકો રસ્તા પર ઊતર્યા

10 January, 2022 10:59 AM IST  |  Paris | Gujarati Mid-day Correspondent

પૅરિસમાં પણ મોટી સંખ્યામાં દેખાવકારો રસ્તા પર ઊતર્યા હતા

પૅરિસમાં શનિવારે વૅક્સિન વિરોધી પ્રદર્શન કરી રહેલા નાગરિકો

ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમૅન્યુઅલ મૅક્રોને કોરોનાની રસી લેવાની ચોખ્ખી ના પાડતાં લોકો પર આકરાં નિયંત્રણો લાગુ કરવાની વાત કરતાં સમગ્ર ફ્રાન્સમાં શનિવારે વૅક્સિન વિરોધી લોકો મોટી સંખ્યામાં રસ્તા પર ઊતરી આવ્યા હતા. 
મૅક્રાને જણાવ્યું હતું કે ‘તેઓ રસી ન મેળવનારી વ્યક્તિઓનું જીવન ખૂબ જ જટિલ બનાવીને તેમને એ હદે પરેશાન કરશે કે તેઓ આખરે રસી મેળવી લેશે. રસી ન મેળવનારા લોકો બેજવાબદાર છે અને તેઓ નાગરિક ગણવાને લાયક નથી.’ 
પૅરિસમાં પણ મોટી સંખ્યામાં દેખાવકારો રસ્તા પર ઊતર્યા હતા. એક જગ્યાએ દેખાવકારો અને પોલીસ વચ્ચે અથડામણ પણ થઈ હતી. દેખાવકારોએ માર્સે, નેન્ટ્સ અને લે મન્સમાં પણ પ્રદર્શન કર્યાં હતાં. નોંધપાત્ર છે કે ફ્રાન્સની સરકાર મ્યુઝિયમ્સ જેવી અનેક જગ્યાઓ પર એન્ટ્રી માટે રસીનો પુરાવો ફરજિયાત રજૂ કરવાનો નિયમ લાગુ કરવા કહી રહી છે. 
પ્રદર્શનકર્તાઓએ તેમના અધિકારો પર તરાપ મારવાનો અને નાગરિકોને સમાન ન ગણવાનો મૅક્રોન પર આરોપ મૂક્યો હતો, જ્યારે મૅક્રોને જણાવ્યું હતું કે આઝાદીની સાથે જવાબદારી પણ આવે છે જેમાં બીજા લોકોની હેલ્થનું રક્ષણ કરવું પણ સામેલ છે. નોંધપાત્ર છે કે ફ્રાન્સમાં દૈનિક નવા કેસની સંખ્યા ત્રણ લાખ પર પહોંચી છે. કેટલીક હૉસ્પિટલ્સ જણાવી રહી છે કે આઇસીયુમાં ઍડ્મિટ ૮૫ ટકા દરદીઓએ કોરોનાની રસી નથી લીધી. 

international news coronavirus covid19 covid vaccine vaccination drive france