હા, ભારતે બાલાકોટમાં ઍરસ્ટ્રાઇક કરી હતી : ઇમરાન ખાન

28 September, 2019 11:25 AM IST  |  મુંબઈ

હા, ભારતે બાલાકોટમાં ઍરસ્ટ્રાઇક કરી હતી : ઇમરાન ખાન

ઇમરાન ખાન

ન્યુ યૉર્ક : (જી.એન.એસ.) પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને અમેરિકામાં એવો એેકરાર કર્યો હતો કે બાલાકોટમાં ભારતે ઍરસ્ટ્રાઇક કરી હતી એ અમે જાણતા હતા. અમે સામે બૉમ્બમારો કર્યો હોત તો વાત વણસી ગઈ હોત. અમારા રડાર દ્વારા અમે બાલાકોટ પરના ઍરસ્ટ્રાઇક હુમલાનો જોઈ શક્યા હતા.

ન્યુ યૉર્કમાં એશિયાટિક સોસાયટીમાં બોલતાં ઇમરાને દાવો કર્યો હતો કે આખા પાકિસ્તાનમાં મારા જેટલું ભારતને કોઈ ઓળખતું નથી. ક્રિકેટર તરીકે હું અનેક વખત ભારતની મુલાકાતે ગયો છું અને ભારતીય માનસિકતાની મને પૂરેપૂરી જાણ છે. ભારત બાલાકોટમાં ત્રાટકશે એની અમને જાણ હતી. ભારતે બાલાકોટમાં ઍરસ્ટ્રાઇક કરી એની જાણ મધરાત પછી સવારે ૩ વાગ્યે મને પાકિસ્તાનના લશ્કરી વડાએ જગાડીને કરી હતી. એ વખતે
રાત હોવાથી કેટલું નુકસાન ક્યાં થયું છે એ અમે જોઈ શકીએ એમ નહોતા એટલે મેં લશ્કરી વડાને કહ્યું કે આપણે સવારે જોઈશું. સવારે અમે જોયું તો અમારા પ્રદેશમાં ખાસ કશું નુકસાન થયું નહોતું.
ઇમરાને એવો દાવો કર્યો હતો કે અમારી પાસે જે પ્રકારનાં અણુશસ્ત્રો છે એને જોતાં અમે ભારત પર બૉમ્બમારો કર્યો હોત તો વિવાદ વધી જાત. એવું અમારે કરવું નહોતું. એશિયા સોસાયટીમાં થઈ રહેલું આ પ્રવચન મારા માટે નેટ પ્રૅક્ટિસ જેવું છે. ૨૩ વર્ષની મારી પૉલિટિક્સની કારકિર્દીમાં મેં યુનોની સ્પીચ માટે આવો ઉત્સાહ અગાઉ કદી જોયો નહોતો. મને એવું લાગતું હતું જાણે હું વર્લ્ડ કપની ફાઇનલ રમી રહ્યો છું.
ઇમરાને કહ્યું હતું કે એક વાર જમ્મુ-કાશ્મીરમાંથી પ્રતિબંધ હટી જાય એ પછી ભારે ખૂનખરાબો થશે એવો અમને ડર છે. ભારતમાં ૧૮ કરોડ મુસ્લિમો છે. જમ્મુ-કાશ્મીરમાં પરિસ્થિતિ વણસે તો ભારતમાં વસતા મુસ્લિમોને પણ સહન કરવાનું આવશે. અગાઉ હું ભારતની મુલાકાતે જતો ત્યારે દોસ્તો કહેતા કે આ દેશ ખૂબ મોટો છે. અહીં કોઈ પણનો સમાવેશ થઈ શકે છે. આજે એવી પરિસ્થિતિ રહી નથી. મારા દોસ્તો ફોન કરે ત્યારે કહે છે કે મોહમ્મદ અલી ઝીણા સાચું કહેતા હતા.

imran khan narendra modi united states of america pakistan india