ચીની માલના બહિષ્કારનો ટ્વિટર પર નવો ટ્રેન્ડ

15 March, 2019 07:13 AM IST  | 

ચીની માલના બહિષ્કારનો ટ્વિટર પર નવો ટ્રેન્ડ

પ્રતીકાત્મક તસવીર

સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિમાં પાકિસ્તાની મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની દરખાસ્તને ચીને બ્લૉક કર્યા પછી સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર ચીનના માલસામાનના બહિષ્કારનો અનુરોધ કરતી પોસ્ટ્સનો રાફડો ફાટ્યો છે. ‘બૉયકોટ’ ચાઇનીઝ પ્રોડક્ટ્સ’નો નવો ટ્રેન્ડ ટ્વિટર પર વ્યાપક બન્યો છે. હજારો ઇન્ડિયન ટ્વિટર યુઝર્સ ‘બૉયકોટ’ ચાઇનીઝ પ્રોડક્ટ્સ’ના નવા ટ્રેન્ડમાં સામેલ થઈને ચીન સિવાય અન્ય કોઈ પણ દેશની પ્રોડક્ટ્સ ખરીદવાની ભલામણ લોકોને કરે છે.

ઇન્ડિયન ટ્વિટર યુઝર્સ કહે છે કે ‘આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતવિરોધી વલણ અપનાવનારા ચીનને પાઠ ભણાવવા માટે દેશમાં ચીની માલસામાનના બહિષ્કારની અનિવાર્યતા છે. ભારતમાં મોબાઇલ ફોન્સથી કૉસ્મેટિક્સ સુધીની અનેક ચીજો અને સાધનોની નિકાસ ચીન કરે છે.

ચીને ભલે દરખાસ્ત બ્લૉક કરી, UN કાઉન્સિલના સભ્યો મસૂદ અઝહર વિરુદ્ધ બીજાં પગલાં લઈ શકે

પાકિસ્તાનસ્થિત આતંકવાદી સંગઠન JeMના સુપ્રીમો મૌલાના મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની અગ્રણી રાષ્ટ્રોની દરખાસ્ત ચીને બ્લૉક કર્યા છતાં UN સિક્યૉરિટી કાઉન્સિલનાં સભ્યરાષ્ટ્રો પર મસૂદ અઝહર વિરુદ્ધ અન્ય પગલાં લેવાનું દબાણ કરી શકાય એમ છે. બુધવારે UN સિક્યૉરિટી કાઉન્સિલની ૧૨૬૭ અલ કાયદા સેન્ક્શન્સ કમિટી હેઠળ મસૂદ અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવાની ફ્રાન્સ, અમેરિકા અને બ્રિટનની દરખાસ્ત ચીને ટેક્નિકલ હોલ્ડના અધિકાર વડે બ્લૉક કરી હતી.

વૉશિંગ્ટનસ્થિત વિવિધ રાજદૂતોએ જણાવ્યું હતું કે ચીને આતંકવાદને ખતમ કરવાના જાહેર કરેલા ઉદ્દેશથી વિપરીત રીતે મસૂદ અઝહર વિરોધી પ્રપોઝલ વધુ એક વખત બ્લૉક કરી છે, પરંતુ કાઉન્સિલના અન્ય સભ્યોને દબાણ કરીને પાકિસ્તાન સામે આર્થિક તથા આંતરરાષ્ટ્રીય સંબંધોના સંદર્ભમાં અનેક પગલાં લઈ શકાય એમ છે.

india china united nations