શિકાગોમાં બરફનું તોફાન: હજારો ફ્લાઇટ રદ, નવ કરોડ લોકોને અસર

19 January, 2020 09:40 AM IST  |  Mumbai Desk

શિકાગોમાં બરફનું તોફાન: હજારો ફ્લાઇટ રદ, નવ કરોડ લોકોને અસર

અમેરિકાના દક્ષિણી રાજ્ય બર્ફીલા તોફાન અને ભારે વરસાદની ચપેટમાં છે. ડેલી-મેલમાં પ્રકાશિત રિપોર્ટ પ્રમાણે શિકાગોમાં બર્ફીલા તોફાન અને ખરાબ હવામાનના કારણે શુક્રવારે દરેક ઍરપોર્ટ પરથી ૧૦૦૦ ફ્લાઇટને કૅન્સલ કરવામાં આવી હતી. ઓહારે ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ૬૯૦થી વધુ, મિડવે ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ૧૬૯ અને સેન્ટ લૂઈના લેમ્બર્સ ઍરપોર્ટ પર ૧૩૦થી વધુ ફ્લાઇટ્સને કૅન્સલ કરવામાં આવી હતી. બીજી તરફ મિસૌરીના કોલંબિયા રિજનલ ઍરપોર્ટ પર શનિવાર બપોર સુધી બધી ફ્લાઇટ રોકી દેવામાં આવી છે. તોફાન અને ખરાબ હવામાનના કારણે ૯ કરોડ લોકો પ્રભાવિત થયા છે.

રિપોર્ટ પ્રમાણે ખરાબ હવામાનના કારણે શિકાગોમાં લગભગ ૪૭૦ ફ્લાઇટ્સ મોડી ઊડી હતી. શિકાગોમાં શુક્રવારે બપોરે ભીષણ તોફાન આવ્યું હતું. હવામાન વિભાગે બરફવર્ષાના કારણે રસ્તાઓની સ્થિતિ ખરાબ હોવાની ચેતવણી જાહેર કરી હતી. સોલ્ટ લેક સિટીના ઘણા વિસ્તારોમાં પાંચ ઇંચ સુધી બરફ જામી ગયો છે. તેના કારણે સ્કૂલો, યુનિવર્સિટી અને સરકારી કાર્યાલયોને બંધ કરી દેવામાં આવ્યાં છે.

ડેલ્ટા ઍરલાઇન્સના પ્રવક્તા માર્થા વિટે જણાવ્યું કે શુક્રવારે કંસાસ સિટી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ઍરબસ એ-૩૧૯ લપસી ગયું, જોકે તેમાં કોઈ ઘાયલ થયું નથી. ફ્લાઇટમાં છ ક્રૂ મેમ્બર સહિત ૧૨૯ લોકો સવાર હતા. પ્રવાસીઓને અન્ય વિમાનોની મદદથી લઈ જવામાં આવ્યા હતા. હવામાન વિભાગે જણાવ્યું કે આવનારા દિવસોમાં તોફાન વધુ ખતરનાક બને તેવી સંભાવના છે. આ વિક અેન્ડ પર મેદાની વિસ્તારોમાંથી ઉત્તર-પૂર્વી વિસ્તારો તરફ પ્રવાસ કરવામાં પરેશાની થશે.

chicago international news