વડા પ્રધાન મોદી અમેરિકામાં આજે હ્યુસ્ટનમાં ભારતીય સમુદાયને સંબોધિત કરશે

22 September, 2019 03:52 PM IST  |  મુંબઈ ડેસ્ક

વડા પ્રધાન મોદી અમેરિકામાં આજે હ્યુસ્ટનમાં ભારતીય સમુદાયને સંબોધિત કરશે

અમેરિકમાં લાગ્યા મોદીના બેનર

હ્યુસ્ટન : (જી.એન.એસ.) વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે મોડી રાત્રે લગભગ ૧૧ વાગ્યે પોતાના એક અઠવાડિયાના અમેરિકાના પ્રવાસ માટે ઍર ઇન્ડિયાના વિમાન દ્વારા રવાના થયા હતા. વડા પ્રધાન ૨૧થી ૨૭ સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસ પર રહેશે. તેઓ સૌ પહેલાં ૨૨ સપ્ટેમ્બરે હ્યુસ્ટનમાં આયોજિત હાઉડી મોદી કાર્યક્રમમાં ભાગ લેશે ત્યાં તેઓ ભારતીય સમુદાયને સંબોધન કરશે.

વડા પ્રધાન મોદી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ સાથે મીટિંગ કરશે અને સંયુક્ત રાષ્ટ્ર સંઘના વાર્ષિક સંમેલનને સંબોધશે. આ દરમિયાન તેમની ટ્રમ્પ સાથે બે વાર મુલાકાત થશે.
પોતાના અમેરિકન પ્રવાસ પર નિકળતાં પહેલાં વડા પ્રધાન મોદીએ ભારત અને અમેરિકાના સંબંધો વધુ મજબૂત બનવાની વાત કરી હતી. એક ટ્‌વીટમાં તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાતનો મને ઇન્તેજાર છે. તેમણે કહ્યું કે અમેરિકાના આ પ્રવાસમાં દુનિયાભરના ઘણા નેતાઓને મળવાની તક મળશે. પોતાના ટ્‌વીટમાં વડા પ્રધાને અમેરિકા સાથે નવા સંબંધો સર્જાવાની વાત કરીને પોતાના પ્રવાસની રૂપરેખા પણ આપી હતી.
વડા પ્રધાને ટ્‌વીટ કર્યું હતું, ‘મારા આગામી અમેરિકા પ્રવાસમાં ઘણા ઉચ્ચ સ્તરીય કાર્યક્રમો થશે જેનાથી ભારત અને અમેરિકાના સંબંધો વધુ મજબૂત બનશે. આ પ્રવાસ દરમ્યાન કેટલાક મહત્ત્વપૂર્ણ બહુપક્ષીય કાર્યક્રમો અને ભારતીય સમુદાય તથા બિઝનેસ લીડર્સ સાથે વાર્તાલાપ થશે.’

narendra modi houston united states of america