700 તીર્થયાત્રી જ કરતારપુરમાં દર્શન કરી શકે : પાકિસ્તાન

24 June, 2019 09:20 AM IST  |  પાકિસ્તાન

700 તીર્થયાત્રી જ કરતારપુરમાં દર્શન કરી શકે : પાકિસ્તાન

ઈમરાન ખાન

કરતારપુર કૉરિડોરના સંચાલન માટે પાકિસ્તાને ભારતના તમામ પ્રસ્તાવોનો વિરોધ કરતાં પોતાની શરત અને નિયમો નક્કી કરી દીધા છે. ભારતનો પ્રસ્તાવ છે કે, શીખોનાં સૌથી પવિત્ર સ્થળોમાંના એક કરતારપુર કૉરિડોરને આખું વર્ષ ખુલ્લું રાખવામાં આવે. જેથી તીર્થયાત્રીઓને સરળતા રહે, પણ પાકિસ્તાને આ પ્રસ્તાવનો વિરોધ કર્યો છે. અધિકારીઓએ શનિવારે આ જાણકારી આપી હતી. કરતારપુર શીખોના પહેલા ગુરુનાનક દેવનું કર્મસ્થળ છે. પાકિસ્તાને ભારતના તમામ પ્રસ્તાવોને ફગાવતાં કહ્યું કે ‘ફક્ત ૭૦૦ તીર્થયાત્રી જ કરતારપુર સ્થિત ગુરુદ્વારા દરબાર સાહિબના દર્શન કરી શકે છે.’

એક સરકારી ઑફિસરના કહેવા પ્રમાણે પાકિસ્તાને કહ્યું છે કે તીર્થયાત્રિકોને કરતારપુર સ્પેશ્યલ પરમિટ સિસ્ટમ હેઠળ પ્રવેશ અપાશે. સાથે જ તેના માટે ફી પણ ચૂકવવી પડશે. તો ભારતનો પ્રસ્તાવ હતો કે, તીર્થયાત્રિકોને કરતારપુર આવવા માટે કોઈ વિઝા લેવા ન પડે અને કોઈ ટ્રાવેલ ફી પણ ન હોય. ભારતનો એ પ્રસ્તાવ પણ હતો કે, ભારતીય નાગરિકો ઉપરાંત પ્રવાસી ભારતીયોને પણ તીર્થયાત્રા પર આવવાની પરમિશન આપવામાં આવે, પરંતુ પાકિસ્તાને તેના માટે મનાઈ ફરમાવી દીધી અને કહ્યું કે, ફક્ત ભારતીય નાગરિકોને જ આવવા માટેની પરમિશન અપાશે.

આ પણ વાંચો : વડા પ્રધાન મોદીએ ભ્રષ્ટ અધિકારીઓની ત્રીજી યાદી તૈયાર કરી

ભારતનો એ પણ પ્રસ્તાવ હતો કે, તીર્થયાત્રિકોને આખું વર્ષ અને અઠવાડિયાના સાત દિવસ તીર્થયાત્રા કરવાની મંજૂરી આપવામાં આવે, પણ પાકિસ્તાન અહીં પણ આડું ફાટ્યું. તેણે કહ્યું કે, તીર્થયાત્રિકોને જ્યારે અનુમતી આપવામાં આવશે ત્યારે જ તેઓ આવી શકશે. ભારતનું કહેવું હતું કે, દરરોજ પાંચ હજાર લોકોને તીર્થયાત્રાની મંજૂરી આપવામાં આવે, પણ પાકિસ્તાને કહ્યું કે, ૭૦૦થી વધારે તીર્થયાત્રિકોને મંજૂરી આપવામાં નહીં આવે.

pakistan national news imran khan