જૂની આદતો ક્યારેય જતી નથી: ભારત પ્રતિનિધિ યુએનમાં બોલ્યા

05 January, 2020 12:01 PM IST  | 

જૂની આદતો ક્યારેય જતી નથી: ભારત પ્રતિનિધિ યુએનમાં બોલ્યા

ભારત વિરુદ્ધ દુષ્પ્રચાર માટે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન પણ હવે ફેક ન્યૂઝ ફેલાવી રહ્યા છે. નનકાના સાહિબ ગુરુદ્વારા પર થયેલા ટોળાના હુમલાથી ધ્યાન હટાવવા માટે ઇમરાન ખાને શુક્રવારે રાત્રે એક પછી એક અનેક વીડિયો ટ્વીટ કરીને ‘ભારતમાં મુસ્લિમો પર પોલીસ અત્યાચાર’ના ખોટા દાવા કર્યા હતા. બંગલા દેશના લગભગ ૭ વર્ષ જૂના વિડિયોને પોસ્ટ કરી ઇમરાન ખાને દાવો કર્યો કે પોલીસ મુસ્લિમો પર અત્યાચાર કરી રહી છે. જેનો ભારતે પાકિસ્તાનને સણસણતો જવાબ આપ્યો હતો.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને સોશ્યલ મીડિયા પર ભારત વિરુદ્ધ નકલી વિડિયો પોસ્ટ કરવાના મામલે પાકિસ્તાન પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન તરફથી વારંવાર આવું થાય છે. તેમની જૂની આદત જતી નથી.
તો બીજી બાજુ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે પણ કહ્યું હતું કે નકલી ન્યુઝ ટ્વીટ કરો, પકડાઈ જાઓ, ડિલિટ કરો, ફરીથી એ જ કામ કરો. આમ ભારતે પાકિસ્તાન પર બેવડા વાર કરીને તેમને બરાબરનો જવાબ આપ્યો હતો.
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને શુક્રવારે મોડી રાતે બંગલા દેશનાં સાત વર્ષ જૂના વિડિયોને યુપીમાં મુસ્લિમો સામે ભારતીય પોલીસ દ્વારા અત્યાચાર કરવાનો દાવો કર્યો હતો. જોકે ટ્વિટર યુઝર્સ દ્વારા ટ્રોલ કરવામાં આવ્યા બાદ ઇમરાનને પોતાની ભૂલ સમજાઈ હતી અને તેમણે આ ટ્વીટ હટાવી લીધું હતું.
હકીકતમાં ઇમરાન ખાને જે વિડિયો પોસ્ટ કર્યો હતો તે હકીકતમાં બંગલા દેશ રેપિડ અૅક્શન ફોર્સના જવાનો ઇશનિંદાના વિરોધમાં થયેલા વિરોધ પ્રદર્શનને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને આ વિડિયો વર્ષ ૨૦૧૩નો છે.

national news pakistan india