થોડા સમય માટે મૃત જાહેર થયેલા કેદીની આજીવન કેદની સજા પૂરી થઈ ગણાય?

14 November, 2019 09:38 AM IST  |  America

થોડા સમય માટે મૃત જાહેર થયેલા કેદીની આજીવન કેદની સજા પૂરી થઈ ગણાય?

પ્રતીકાત્મક તસવીર

અમેરિકાના આયોવા સ્ટેટમાં રહેતા ૬૬ વર્ષના બેન્જામિન શ્રેઇબર સાજા અને જીવતા છે. પરંતુ ૨૦૧૫માં થોડા વખત માટે દેહ નિર્જીવ સમાન થવાની તબીબી સ્થિતિનો ગેરલાભ લઈને બેન્જામિન તેની આજીવન કેદની સજા પૂરી થઈ હોવાનો દાવો કરે છે. ૨૦૧૫માં બેન્જામિન જેલમાં અચાનક ઢળી પડ્યો હતો. તેનો શ્વાસ થંભી ગયો હતો. એ સ્થિતિનો અર્થ એવો થાય કે શ્વાસ બંધ રહ્યો એટલો વખત-ટૂંકા ગાળા માટે બેન્જામિન મૃત્યુ પામ્યો હતો.

ત્રણ વર્ષ બાદ એ દોષી હત્યારાએ સજા ભોગવી લીધા પછીની રાહત અદાલત પાસે માગી હતી. બેન્જામિને પોતાને ખોટી રીતે જેલમાં ગોંધી રાખવામાં આવ્યો હોવાનો દાવો કર્યો હતો. તેણે એવો દાવો કર્યો કે ‘મેં ટેક્નિકલી સજા ભોગવી લીધી હોવાથી મને મુક્ત કરો. હું મૃત્યુ પામ્યો એ વખતે મારી સજાનો અંત આવ્યો હતો.’

બેન્જામિન શ્રેઇબરે પહેલાં ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અપીલ કરી હતી. ત્યાં ન્યાયાધીશે અરજી ફગાવી દીધી હતી. ન્યાયાધીશે કહ્યું હતું કે ‘દિમાગના દાવપેચ વડે કાયદામાં ખામી કાઢીને પરિસ્થિતિનો ગેરલાભ લેવાનો આ પ્રયત્ન છે, પરંતુ આ પ્રકારના દાવા કે દલીલ અસરકારક નથી અને એમાં વજૂદ પણ નથી. અરજદાર અપીલ ફાઇલ કરી શકે છે એ દર્શાવે છે કે એ હાલમાં જીવતો છે.’

આ પણ વાંચો : જુઓ લગ્નની અનોખી આમંત્રણ પત્રિકા, હસી-હસીને લોટપોટ થઈ જશો

ત્યાર પછી બેન્જામિન આયોવા કોર્ટ ઑફ અપીલ્સમાં પહોંચ્યો. ત્યાં પણ તેને નિષ્ફળતા મળી. અપીલ્સ કોર્ટના ન્યાયાધીશોએ કહ્યું કે આજીવન કેદનો અર્થ આખું જીવન જેલમાં પસાર કરવું, આખું જીવન. જીવતા હોવા છતાં મૃત અવસ્થાના દાવાનો લાભ લઈ ન શકાય.’