સુદાનમાં ગૅસ ટૅન્કરમાં સ્ફોટ, 18 ભારતીયોએ જીવ ગુમાવ્યા

05 December, 2019 11:14 AM IST  |  Khartoum

સુદાનમાં ગૅસ ટૅન્કરમાં સ્ફોટ, 18 ભારતીયોએ જીવ ગુમાવ્યા

સુદાનમાં ગૅસ ટૅન્કરમાં સ્ફોટ

આફ્રિકન રાષ્ટ્ર સુદાનની રાજધાની ખાર્ટુમમાં ગૅસ ટૅન્કરમાં વિસ્ફોટ થતાં ૨૩ જણ માર્યા ગયા હતા. મૃતકોમાં ૧૮ ભારતીયો હોવાની શક્યતા છે. ખાર્ટુમની એક સિરામિક ફૅક્ટરીમાં ગૅસ ટૅન્કરમાં ધડાકો થયો હતો. મરણાંકને સત્તાવાર સમર્થન મળ્યું નથી. સિરામિક ફૅક્ટરીના કર્મચારીઓમાં દિલ્હી, બિહાર, હરિયાણા, ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને તમિલનાડુના વતનીઓનો સમાવેશ હતો. ભારતના ખાર્ટુમ સ્થિત રાજદૂતાલયે વિસ્ફોટની ઘટનાની જાણકારી આપતાં ૨૩ મૃતકોમાં ૧૮ ભારતીયો હોવાની આશંકા દર્શાવી હતી. દુર્ઘટનામાં ૩૪ ભારતીયો બચી ગયા હોવાનું ભારતીય રાજદૂતાલયના નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકરે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્‌વિટર પર ‘ખાર્ટુમમાં ગૅસ ટૅન્કરમાં વિસ્ફોટમાં કેટલાક ભારતીયોનાં મૃત્યુ અને કેટલાક ભારતીયો ઘાયલ થયા હોવાનું જણાવ્યું હતું. ખાર્ટુમ સ્થિત આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે ‘શહેરના બાહરી વિસ્તારની સીલા સિરામિક ફૅક્ટરીમાં મંગળવારની રાતે એક શિપમેન્ટ ખાલી કરાવાતું હતું ત્યારે ગૅસ ટૅન્કરમાં વિસ્ફોટ થયો હતો. એ દુર્ઘટના બાદ ૧૬ ભારતીયો ગુમ થયા હોવાનું સ્થાનિક ભારતીય રાજદૂતાલયે જણાવ્યું હતું.

india world news